શ્વસનતંત્રને લગતા રોગો માટેની દવાઓના વેચાણમાં 20%નો વધારો
નવેમ્બર મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે સવારે ફૂલગુલાબી ઠંડી વર્તાઈ રહી છે. સાથે સાથે પ્રદૂષણ, ધુમ્મસ, દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર તફાવત અને ધૂળને કારણે શહેરમાં ચેપ, એલર્જી અને શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થયો છે. એક અહેવાલ મુજબ, ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબરમાં એન્ટિ-ઇન્ફેક્ટિવ અને શ્વસન રોગો માટેની દવાઓનું વેચાણ સરેરાશ 20% વધ્યું છે.
ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં, એન્ટિ-ઇન્ફેક્ટિવ્સ માટે મૂવિંગ એન્યુઅલ ટર્નઓવર (MAT) રૂ. 861 કરોડ હતું અને શ્વસન સંબંધી બીમારીઓની સારવાર માટેની દવાઓનું ઓક્ટોબર 2023 માં રૂ.555 કરોડ હતું. તબીબોના જણાવ્યા અનુસાર, બદલાતું હવામાન આ ચેપમાં વધારો થવાનું એક મુખ્ય કારણ છે.
તબીબોના જણાવ્યા મુજબ, ઓક્ટોબરથી મોસમ બદલવાની શરૂઆત થાય છે અને ફેબ્રુઆરી સુધીમાં શિયાળોની કડકડતી ઠંડી પડતી હોય છે, ત્યારે શ્વસન ચેપ તેમજ શરદી, ઉધરસ અને ફ્લૂ સહિતના અન્ય વાયરલ ચેપના કેસ સામાન્ય રીતે વધતા હોય છે. આ વર્ષે નવરાત્રિથી દર્દીઓ આવી રહ્યા છે. પ્રદૂષકો અને ધૂળ વાળા બહારના હવામાનમાં વધુ સમય રહેવાને કારણે કેસ વધી રહ્યા છે.
પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક્સ અને એન્ટિહિસ્ટામાઇન્સના અવિચારી વપરાશને કારણે દવાઓના વેચાણમાં વધારો થયો છે.