ટાટા ટૅક્નોલૉજીનું ભરણું ગણતરીની મિનિટોમાં છલકાઈ ગયું
નવી દિલ્હી: એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલોપમેન્ટ ડિજિટલ સર્વિસીસ ક્ષેત્રે સંકળાયેલી કંપની ટાટા ટૅક્નોલૉજીની ઈનિશિયલ પબ્લિક ઑફર (આઈપીઓ) અથવા તો ભરણું આજે બુધવારે ખૂલતાની સાથે ગણતરીની મિનિટોમાં જ છલકાઈ ગયું હતું. જોકે, આજે મોડી સાંજે ભરણું ૬.૫૬ ગણું છલકાઈ ગયું હોવાના અહેવાલ હતા. એનએસઈ ખાતેની આંકડાકીય માહિતી અનુસાર આજે બુધવારે બપોરે ૧૧.૨૧ વાગ્યા સુધીમાં આ રૂ. ૩૦૪૨.૫ કરોડના ભરણા માટેના ૪,૫૦,૨૯,૨૦૭ શૅર સામે ૮,૭૩,૨૨,૮૯૦ શૅર માટેની બીડ મળી હતી જે ભરણા કરતાં ૧.૯૪ ગણી વધુ છે. તેમ જ બિન સંસ્થાકીય રોકાણકારો માટેનું ભરણું ૨.૭૨ ગણું છલકાયું હતું, જ્યારે ક્વૉલિફાઈડ ઈસ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઈબી) માટેનું ભરણું ૧.૯૮ ગણું અને રિટેલ વ્યક્તિગત રોકાણકારો માટેનું ભરણું ૧.૬૩ ગણું ભરાયું હોવાનું જાણવા મળ્યું છે. ટાટા મોટર્સની ટાટા ટૅક્નોલૉજીએ ગઈકાલે જણાવ્યું હતું કે અમને એન્કર ઈન્વેસ્ટરો તરફથી રૂ. ૭૯૧ કરોડ મળ્યા છે. નોંધનીય બાબત એ છે કે બે દાયકા બાદ પહેલી વખત ટાટા જૂથની કંપનીનો આઈપીઓ આવ્યો છે. આ પૂર્વે વર્ષ ૨૦૦૪માં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસનો આઈપીઓ આવ્યો હતો. ટાટા ટૅક્નોલૉજીના આ ભરણામાં પ્રાઈસ બેન્ડ શૅરદીઠ રૂ. ૪૭૫થી ૫૦૦ નિર્ધારિત કરવામાં આવી છે અને ભરણું આગામી ૨૪ નવેમ્બરના રોજ સમાપન થશે. તેમ જ આ જાહેર ભરણું સમગ્ર ૬.૦૮ કરોડ ઈક્વિટી શૅરનાં ઓફર ફોર સેલ (ઓએફએસ) માટેનું છે. જેમાં ટાટા મોટર્સ ૧૧.૪ ટકાના હિસ્સો અથવા તો ૪.૬૩ કરોડ શૅર, ખાનગી ઈક્વિટી કંપની આલ્ફા ટીસી હોલ્ડિંગ ૨.૪ ટકા અથવા તો ૯૭.૧૭ લાખ શૅર અને ટાટા કેપિટલ ગ્રોેથ ફંડ તેના હોલ્ડિંગના ૧.૨ ટકા અથવા તો ૯૭.૧૭ લાખ શૅરનો હિસ્સો છૂટો કરશે. ટાટા ટૅક્નોલૉજીના શૅર બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટેડ થશે.