આમચી મુંબઈ

પ્રત્યારોપણ માટે ફેફસાં લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત

મેડિકલ ટીમની સમયસૂચકતાથી દર્દી બચી ગયો

પુણે: પુણે નજીકની હૉસ્પિટલમાંથી પ્રત્યારોપણ માટે ફેફસાં લઈ એરપોર્ટ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હતો. જોકે, એક સર્જન અને મેડિકલ ટીમની સમયસૂચકતાને કારણે ચેન્નઈમાં એક દર્દીનો જીવ ઉગરી ગયો હતો. આ અકસ્માતના થોડા કલાકો બાદ ચેન્નઈમાં ફેફસાના પ્રત્યારોપણની સર્જરી સફળતાપૂર્વક પાર પડી હતી.
આ ઘટના સોમવારે પુણે નજીક પિમ્પરી – ચિંચવડ વસાહતમાં બની હતી. હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. સંજીવ જાધવના જણાવ્યા અનુસાર ટાયર ફાટી જવાને કારણે તેમની એમ્બ્યુલન્સને અકસ્માત થયો હતો. જોકે, જરા પણ સમય બગાડ્યા વિના તેઓ તરત એમ્બ્યુલન્સની પાછળ આવી રહેલા વાહનમાં બેસી ગયા. ડૉક્ટર અને તેમની ટીમ પ્રત્યારોપણ માટેના ફેફસા સાથે પુણે એરપોર્ટ પહોંચી ગયા જ્યાં તેમને ચેન્નઈ લઈ જવા માટે ચાર્ટર્ડ પ્લેન ઊભું હતું.
આત્મહત્યાને કારણે મૃત્યુ પામેલા ૧૯ વર્ષના યુવકના ફેફસાં સોમવારે પીમ્પરી ચિંચવડ સ્થિત ડી. વાય. પાટીલ હૉસ્પિટલમાં કાઢી લેવામાં આવ્યા હતા. આ ફેફસું ચેન્નઈની હૉસ્પિટલના એક દર્દીના શરીરમાં બેસાડવાનું હતું. શરીરમાંથી કાઢી લીધેલા અવયવ ટકી રહેવાની મર્યાદા છ કલાકની હોય છે અને એ સમય મર્યાદામાં પ્રત્યારોપણ થવું જ જોઈએ. એટલે શરીરમાંથી કાઢવામાં આવેલું ફેફસું સમયસર ચેન્નઈ પહોંચે એ જરૂરી હતું. સર્જન અને તેમની ટીમના સહિયારા પ્રયાસથી એ શક્ય બન્યું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button