લાડકી

ભારતમાં એચઆઇવીનો પ્રથમ કેસ શોધનાર મહિલા ડૉક્ટર સુનીતિ સોલોમન

કવર સ્ટોરી – કવિતા યાજ્ઞિક

એચઆઇવી, આ શબ્દો કાને પડતાં જ આજે પણ લોકોની ભ્રમર તણાઈ જાય છે. તો આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં તો લોકો જ્યારે આ રોગ વિશે વધુ જાણતા નહોતા ત્યારે એચઆઇવી સાથે અનેક ભય અને ગેરમાન્યતાઓ જોડાયેલી હતી. જેને આ રોગ થયો હોય તેની સામે સમાજ શંકાની નજરે જુએ અને તેના ચરિત્ર વિશે સાચું-ખોટું માની લે તેવી પરિસ્થિતિ હતી. એ સમયે એક મહિલા ડોક્ટરે ભારતમાં આ રોગ વિશે ન માત્ર સંશોધન કર્યું, પરંતુ દેશનો સૌ પ્રથમ એચઆઇવી રોગી પણ તેમણે જ ખોળી કાઢ્યો હતો. તે પછી તો એચઆઇવીગ્રસ્ત રોગીઓની સારવાર અને રોગ વિશે જાગૃતિ જગાવવાની એમણે જાણે ધૂણી જ ધખાવી હતી અને પોતાનું સમગ્ર જીવન તેને સમર્પિત કર્યું. આવા ડૉક્ટર જો યુરોપ કે અમેરિકા જેવા દેશમાં હોત તો કદાચ તેમને અપૂર્વ ખ્યાતિ અને સન્માન મળ્યાં હોત, પરંતુ આપણા દેશમાં તેમને પદ્મશ્રી પણ ખૂબ મોડેથી મળ્યો. ખેર, દેર આયે, દુરસ્ત આયે. એમને આખરે ઈલ્કાબ મળ્યો ખરો. આ મહિલા ડૉક્ટર એટલે પદ્મશ્રી સ્વ. સુનીતિ સોલોમન.

ડૉ. સુનીતિ સોલોમનનો જન્મ ૧૯૩૯માં ચેન્નાઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. તેના પરિવારનાં આઠ બાળકોમાં તે એકમાત્ર છોકરી હતી. સુનીતિનો ઉછેર તેના સાત ભાઈઓ સાથે ચેન્નાઈના પ્રખ્યાત ગાયતોંડે પરિવારમાં થયો હતો, જેઓ ચામડાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એક તેજસ્વી વિદ્યાર્થી એવા સુનીતિએ મદ્રાસ મેડિકલ કોલેજમાંથી તબીબી ડિગ્રી મેળવી હતી. એ દરમિયાન તેઓ કાર્ડિયાક સર્જન સોલોમન વિક્ટરને મળ્યા. તેમનો પરિચય ગાઢ બન્યો. બંને વધુ અભ્યાસ માટે યુ.કે. ગયા તે પહેલા લગ્ન કરી લીધા. તે પછી યુ.એસ.માં પેથોલોજી રેસિડેન્સીમાં વધુ અભ્યાસ કર્યા બાદ ૧૯૭૩ માં તેઓ બંને ભારત પાછાં ફર્યાં. આજે ‘સારી તક’ માટે દેશ છોડી જનારા મોટાભાગના જુવાનિયાઓ ત્યાં જઈને રૂપિયા કમાવા સિવાય શું ઉકાળે છે એ સવાલ છે, ત્યારે પોતાના જ્ઞાનનો દેશને લાભ આપવા પરત ફરેલા આ ડૉક્ટર દંપતી જેવા લોકોને કારણે જ આપણા દેશની પ્રગતિ થઇ છે એમ કહેવું ખોટું નહીં કહેવાય.

૮૦ના દાયકામાં જ્યારે એઇડ્સ અન્યત્ર રોગચાળો બની રહ્યો હતો, ત્યારે સુનીતિ મદ્રાસ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર તરીકે કામ કરતાં હતાં અને વિજ્ઞાન જર્નલમાં આ રોગ વિશે વાંચતા હતાં. તેમને એ જાણવામાં રસ હતો કે ક્યાંક આ રોગે ભારતમાં તો પગપેસારો નથી કર્યો ને? જોકે સામાન્ય ધારણાએ શક્યતાને નકારી હતી. તેમણે તેના પીએચ.ડી.ના એક વિદ્યાર્થી, સેલ્લાપમ નિર્મલાને આ વિષય પર અભ્યાસ હાથ ધરવા માટે સમજાવ્યા.

તેઓએ ઉચ્ચ જોખમ ધરાવતા જૂથ તરફ નજર કરીને અભ્યાસની શરૂઆત કરી અને ભારતમાં ખુલ્લેઆમ સમલૈંગિક સમુદાય ન હોવાથી, તેઓએ સેક્સ વર્કર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. ૧૯૮૬માં, તેઓએ લગભગ ૧૦૦ લોકોના લોહીના નમૂના લીધા, અને તેમાંથી ૬ એચઆઇવી પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. આમ, ભારતમાં એઇડ્સના સૌપ્રથમ નોંધાયેલો આ છ કેસો હતા. આ આપણા દેશ માટે એક અણગમતી પણ સમયસરની ચેતવણી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ, તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી અને રાજ્યના આરોગ્ય મંત્રીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. સરકારે આ રોગને લઈને સંભવિત રાષ્ટ્રીય આપત્તિને ટાળવા માટે તત્કાળ પગલાં ભરવાનું નક્કી કર્યું.

એઇડ્સ સંશોધન હાથ ધરવાના પ્રારંભિક પ્રયાસો ઘણા સંઘર્ષોથી ભરપૂર હતા, કારણ કે સંકળાયેલ ‘અનૈતિકતા’ દર્દીઓને તેની જાણ કરતા અને ડૉકટરોને તેની સારવાર કરતા અટકાવતા હતા. જો કે, સુનીતિ તેના દર્દીઓની વેદના જોઈ શકતા નહોતા અને વિરોધ હોવા છતાં તેમના હેતુ માટે પ્રતિબદ્ધ હતા. ડૉ. સુનીતિએ ચેન્નાઈમાં એઈડ્સ સંશોધન જૂથની સ્થાપના કરી હતી. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગે પુરુષોમાં એચઆઇવીનો પ્રથમ કેસ મળી આવ્યો, ત્યારે ડો. સુનીતિએ ભારતમાં વાયરસને ટ્રેક કરવાનો નિર્ણય લીધો. એ સમયે ચેન્નાઈની અન્ય હૉસ્પિટલોએ એચઆઈવી પોઝિટિવ દર્દીઓને નકારી કાઢ્યા હતા, પરંતુ ડૉ. સુનીતિએ જ્યાં કામ કર્યું હતું ત્યાં આવા કિસ્સાઓ સ્વીકાર્યા અને તેમની સારવાર કરી.

૨૦૦૯માં એક સમાચાર પત્ર સાથેની મુલાકાતમાં તેમણે સ્વયં કહ્યું હતું, “મારા પતિ થોડા ચિંતિત હતા અને હું એચઆઈવી-પોઝિટિવ દર્દીઓ સાથે કામ કરું એવું નહોતા ઇચ્છતા, જેમાંથી મોટા ભાગના તે સમયે હોમોસેક્સ્યુઅલ હતા, જેઓ સ્વ-ઇન્જેક્શન લેતા હતા અને સેક્સ વર્કર હતા. અને મેં કહ્યું, જુઓ, જો તમે તેમની કહાણીઓ સાંભળશો તો તમે જે કહી રહ્યા છે એ વાત તમે નહીં કરો.

૧૯૯૩માં પોતાની શૈક્ષણિક કારકિર્દીને વિરામ આપીને તેમણે ચેન્નાઈમાં પિતાને સમર્પિત વાય આર ગાયતોંડે સેન્ટર ફોર એઈડ્સ રિસર્ચ એન્ડ એજ્યુકેશનની સ્થાપના કરી. તે ભારતની પ્રથમ બિન-લાભકારી એચઆઇવી કાઉન્સેલિંગ અને પરીક્ષણ સુવિધા હતી, જેમાં ડૉકટરોને એચઆઇવી વિશે શિક્ષિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને સામાજિક કલંક સામે લડવા માટે કામ કર્યું હતું.

ભારતમાં એઇડ્સના પહેલા રોગીની શોધ પછી એક ફફડાટ ફેલાઈ ગયો હતો કે નબળી વૈદ્યકીય સુવિધા ધરાવતા દેશમાં તેના ફેલાવાને નિયંત્રિત કરી શકાશે નહીં, પરંતુ ધ ન્યૂ યોર્કરના સંવાદદાતા માઈકલ સ્પેક્ટરે યોગ્ય રીતે નોંધ્યું હતું કે, ઘણા સંશોધકોએ અન્ય કોઈપણ રાષ્ટ્રની જેમ કટોકટીની આગાહી કરી હતી, પરંતુ તે ક્યારેય બન્યું નહીં – આંશિક રીતે કારણ કે ભારતમાં સુનીતિ સોલોમન હતી.

તેમણે કહ્યું હતું કે “એઇડ્સથી એટલા લોકો નથી મરતા જેટલા તેના લાંછન અને ભેદભાવને કારણે મરે છે. તેમનો આ માનવતાવાદી અભિગમ પાંચ વર્ષ પહેલા આવેલી ડોક્યુમેન્ટરી મૂવી ‘લવસિક’ (૨૦૧૮)માં દર્શાવવામાં આવ્યો છે, જેમાં એ દર્શાવ્યું છે કે કેવી રીતે ડૉક્ટર સુનીતિએ લોહીના પરીક્ષણ દ્વારા સીડી ૪નું સ્તર (રોગપ્રતિકારક શક્તિ માટે) અને વાયરલ લોડ્સ માપવાના મોલેક્યુલર બાયોલોજી આધારિત ‘મેચમેકિંગ’ અભિગમ દ્વારા એચઆઇવી ગ્રસ્ત વાહકોને જીવનસાથી શોધવામાં મદદ કરવાના પ્રયત્નો કર્યા હતા. આમ તેમના મતે સૌથી મોટી લડાઈ એચઆઈવીની આસપાસની વાતને મુખ્ય પ્રવાહમાં લાવવાની હતી જેથી એચઆઈવીને સામાન્ય ચેપ તરીકે ગણી શકાય અને એચઆઈવી પોઝિટિવ લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક મળે.

તેમણે એચઆઇવી રોગચાળાના નિવારણ, સંભાળ અને સંકળાયેલ સામાજિક-આર્થિક મુદ્દાઓ પર ૧૦૦ થી વધુ લેખો પ્રકાશિત કર્યા છે. તે બાયોએથિક્સ તાલીમના મજબૂત સમર્થક હતા, અને સંશોધન ગેરવર્તણૂક સામે લડવા માગતા હતા. વર્ષ ૨૦૦૫માં (તેમના મહત્ત્વપૂર્ણ સંશોધનના લગભગ વીસ વર્ષ પછી!) તમિલનાડુ સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. ૨૦૦૬માં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીએ તેમનું સન્માન કર્યું હતું. વર્ષ ૨૦૦૯માં ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય મહિલા બાયોસાયન્ટિસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૧૦ માં નેશનલ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સની ફેલોશિપ પ્રાપ્ત કરી. ૨૦૧૫માં ૭૬ વર્ષની ઉંમરે કૅન્સર સામે લડતાં તેમણે જીવન ત્યાગ કર્યો. ત્યાર પછી ૨૦૧૭ માં, ભારત સરકાર દ્વારા તેમને મરણોત્તર પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.

જે રોગીઓની નજીક તેમના પરિવાર કે સગાં-સંબંધીઓ નહોતા જતાં તેમને પોતાના બનાવીને તેમની શુશ્રૂતા કરનાર અને ભારતમાં એચઆઇવી-એઇડ્સ વિશેની ભ્રમણાઓ તોડીને જાગૃતિ લાવવામાં પાયાનો પથ્થર બનનાર આ દેશની લાડકીને સલામ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button