ઉત્તરકાશીઃ 11-11 દિવસથી ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરો સુખરૂપ બહાર આવે એ માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાનમાં બુધવારે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાઈમ મિનીસ્ટર ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એનડીઆરએફની ટીમ સ્ટ્રેચર અને દોરડાઓ સાથે ટનલમાં ઉતરી ચૂકી છે અને આ સમાચાર એટલા માટે મહત્ત્વના છે કારણ કે ટનલ બનાવ્યા બાદ હવે એનડીઆરએફની ટીમનો જ મહત્ત્વનો રોલ રહેશે. એનડીઆરએફની ટીમ દોરડા અને સ્ટ્રેચર લઈને પહોંચી ગયા છે અને એવું કહેવાઈ રહ્યું છે કે કોઈ પણ સમયે એ ખબર આવી શકે છે જે સાંભળવા માટે દેશવાસીઓના કાન તરસી ગયા છે. આ સમાચાર એવા હશે કે 11 દિવસ સુધી ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પાઈપ પહોંચી ગયા છે.
આ ઉપરાંત અન્ય એક વિશ્વસનીય સુત્ર પાસેથી મળી માહિતી અનુસાર આજે ટનલમાં ફસાયેલા મજૂરો માટે ભોજન પેક કરવામાં આવ્યું છે અને આ ભોજનમાં રોટલી, દાળ, કોબીનું શાક મોકલવામાં આવ્યું છે. મજૂરોને ભોજન મોકલતાં પહેલાં ડોક્ટરો દ્વારા તપાસવામાં આવ્યું છે, એવી માહિતી વિકાસ રાણાનામના અધિકારી દ્વારા આપવામાં આવી છે.
રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી ઉત્તર કાશી પહોંચી ગયા છે અને આગામી થોડાક સમયમાં જ સિલક્યારા રેસ્ક્યુ પર મોટું અને મહત્ત્વનું અપડેટ સામે આવી શકે છે. રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં છે અને ચિન્યાલી સૌર હોસ્પિટલમાં ડોક્ટર્સની હિલચાલ વધી ગઈ છે.
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલાં 41 મજૂરોને બહાર કાઢવા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં એક મહત્વની અપડેટ આવી છે. મળી રહેલી માહિતી પ્રમાણે ટનલ માં થયેલાં ભૂસ્ખલનની નજીકમાં હોરિઝોન્ટલ પાઈપ નાખવાનું આશરે મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. 45 મીટર સુધી પાઈપને અંદર નાખવામાં આવ્યો છે.
પીએમઓ ઓફિસના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ બુધવારે આ અનુસંધાનમાં મહત્ત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તબક્કાનું કામ આગામી બે કલાકમાં શરુ થઈ જશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી એકાદ કલાકમાં રેસ્ક્યુ ટીમ મજૂરો સુધી પહોંચી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરકાશી ટનલનો એક ભાગ 11 દિવસ પહેલા અચાનક પડી ગયો હતો અને એને કારણે ટનલમાં 41 મજૂરો ફસાઈ ગયા હતા. આટલા દિવસો સુધી પાઈપના માધ્યમથી અંદર ફસાઈ ગયેલાં મજૂરોને ખાવાનું અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.