બોગસ બિયારણ વિરોધી કાયદાની વેપારીઓને કોઈ તકલીફ નહીં: મુંડે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં અપ્રમાણિત અને બોગસ બિયારણથી ખેડૂતોની થનારી છેતરપિંડી રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત કરેલી કાયદાની સુધારાને કારણે કૃષિમાલ વેચનારા પરમિટ ધારક વેપારીઓને કોઈ તકલીફ પડશે નહીં, એવી ખાતરી રાજ્યના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ બુધવારે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના કાયદામાં પ્રસ્તાવિત સુધારા બાદ પરમિટધારક વિક્રેતા સામે થનારી સંભાવ્ય કાર્યવાહી અંગે મહારાષ્ટ્ર ફર્ટીલાઈઝર પેસ્ટીસાઈડ્સ સીડ્સ ડીલર એસોસિયેશને આખા રાજ્યમાં વેચાણ બંધ આંદોલન શરૂ કર્યું હતું. ધનંજય મુંડેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વેપારીઓના સંગઠન સાથે સંપર્ક સાધીને આંદોલન પાછું લેવાની અપીલ પણ કરી હતી. આ અપીલને પગલે બુધવારે મંત્રાલયમાં કૃષિ પરમિટધારક વિક્રેતાઓના પ્રતિનિધિઓની પ્રધાન સાથે એક બેઠક આયોજિત કરવામાં આવી હતી.
રાજ્યમાં કૃષિ વિક્રેતાઓ કૃષિ પેદાશોનું ઉત્પાદન કરતા ન હોવાથી તેની ગુણવત્તા માટે તેમને દોષી માનવામાં આવવા જોઈએ નહીં. તેમ જ મહારાષ્ટ્ર સંગઠિત ગુનેગારી કાયદા (એમસીઓસીએ) હેઠળ વેપારીઓ સામે કાર્યવાહી થવી ન જોઈએ એવી મુખ્ય માગણી સંગઠનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
ધનંજય મુંડેએ કાયદામાં થઈ રહેલા સુધારાને કારણે કોઈપણ પ્રકારનો ત્રાસ વેપારીઓને થશે નહીં એવી ખાતરી આપી હતી અને વેપારીઓ સામે ગુના દાખલ કરવામાં આવશે નહીં, પરંતુ તેમને સાક્ષીદાર બનાવીને તપાસમાં તેમની મદદ લેવામાં આવશે એમ જણાવ્યું હતું.
રાજ્યમાં બોગસ બિયારણ અન્ય રાજ્યોમાંથી આવે છે, પરંતુ આ કાયદાનો અમલ થયા બાદ બોગસ બિયારણ આવવાનું બંધ થશે અને તેને કારણે ખેડૂતોની છેતરપિંડી બંધ થશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે રાજ્યના પરમિટ ધારક વિક્રેતાને સરકારને સહકાર આપવાની અપીલ કરી હતી અને બોગસ બિયારણના ટ્રેકિંગ માટે બારકોડ અને ક્યુઆર કોડ જેવી પદ્ધતિ અપનાવવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું.