બે મહિના પછી ભારતે કેનેડાના લોકો માટે ઈ-વિઝા સર્વિસ શરુ કરી
નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડાની વચ્ચે રાજકીય તણાવમાં વધારો થયો હતો, ત્યારબાદ ભારત સરકારે કેનેડાના લોકો માટે ઈ-વિઝા સર્વિસને સસ્પેન્ડ કરી હતી.
બંને રાષ્ટ્રો વચ્ચે લગભગ બે મહિના સુધી વિવાદ રહ્યા પછી ભારતે કેનેડિયન લોકો માટે ઈ-વિઝા સર્વિસ શરુ કરી છે. બે મહિના પછી કેનેડિયન નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરુ કરવામાં આવી છે. રાજકીય વિવાદોની વચ્ચે 21મી સપ્ટેમ્બરે ભારત સરકારે ઈ-વિઝા સર્વિસને સસ્પેન્ડ કરી હતી.
જૂન મહિનામાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ભારતીય એજન્ટ સામેલ હોવાનો કેનેડાએ આરોપ મૂક્યો હતો. નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ હોવાનો આરોપોને ભારત સરકારે પાયાવિહોણા ગણાવ્યા હતા, ત્યારબાદ પુરાવા રજૂ કરવાની માગણી કરી હતી.
ભારત સરકારે કેનેડાના નિવેદનને ફગાવીને કેનેડાના સિનિયર ડિપ્લોમેટને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેસ આપ્યો હતો, ત્યારપછી કેનેડાએ પોતાના નાગરિકોને ભારતમાં રહેનારા લોકો માટે એડવાઈઝરી જારી કરી હતી. જેના જવાબમાં ભારત સરકારે પણ કેનેડામાં રહેનારા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી હતી, ત્યાર બાદ ભારતે કેનેડામાં ભારતની વિઝા એપ્લિકેશન સેન્ટરની સર્વિસ સસ્પેન્ડ કરી હતી.