ખેડૂતોને 6 નહીં પણ 8 હજાર મળશે? બજેટમાં થઇ શકે છે જાહેરાત
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી 2024ના રોજ 2024-25 આ નાણાંકીય વર્ષ માટેનું બજેટ સંસદમાં રજૂ કરશે. નિર્મલા સીતારામન છઠ્ઠી વાર બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવનાર સન્માન નિધીમાં બે હજાર રુપિયાનો વધારો થવાની શક્યતાઓ છે.
હાલમાં આ યોજના હેઠળ ખૂડૂતોને 6 હજાર રુપિયા આપવામાં આવે છે. ત્યારે હવે આ રકમ વધારીને 8 હજાર રુપિયા થઇ શકે છે. હાલમાં સન્માન નિધી વર્ષમાં ત્રણ હપ્તામાં મળે છે. દર ચાર મહિને 2 હજાર રુપિયા સીધા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. મોદી સરકાર તરફથી 15મી નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં આ સન્માન નિધીનો 15મો હપ્તો જમા થયો હતો. કેન્દ્ર સરકારની આ સૌથી મોટી યોજના છે. 1 ડિસેમ્બર 2018થી આ યોજના લાગૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા આપવામાં આવનાર સન્માન નિધીમાં વધારો થવો જોઇએ એવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. તેથી મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ બજેટ વચગાળાનું હશે. ચૂંટણી બાદ ચૂંટાઇને આવેલી સરકાર બાકીના આર્થિક વર્ષ માટે બજેટ તૈયાર કરશે.
ચૂંટણીની પાર્શ્વભૂમી પર ખેડૂતોની જેમ જ મહિલા, આદિવાસી, આર્થિક પછાત વર્ગ, ઉદ્યોગપતી, કર્મચારી વગેરે વર્ગોને સરકાર કંઇક ને કંઇક આપવાનો પ્રયત્ન કરશે. તેથી ભલે વચગાળાનું હોય પણ આ બજેટમાં લોકપ્રિય જાહેરાત કરવામાં આવશે એમ એક્સપર્ટ્સનું માનવું છે. અત્યાર સુધી 11 કરોડ પરિવારોને વડા પ્રધાન ખેડૂત સન્માન નિધીનો લાભ મળ્યો છે. 2.60 લાખ કરોડ રુપિયા આ યોજના હેઠળ વહેંચવામાં આવ્યા છે.