ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો થવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે તેલ માર્કેટિંગ કંપનીઓની ડૉલરમાં લેવાલી અને ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૩૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૭ અને ઉપરમાં ૮૩.૩૨ની રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસા તૂટીને ૮૩.૩૮ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આજે મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ અને અમેરિકાના ગૃહ વેચાણના ડેટાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૦૬ ટકા ઘટીને ૧૦૩.૩૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૧.૬૭ આસપાસ ક્વૉટ થઈ હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૭૫.૬૨ પૉઈન્ટનો અને ૮૯.૪૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૪૫.૭૨ કરોડની વેચવાલી અને તેલ માર્કેટિંગ કંપનીઓની ડૉલરમાં લેવાલી રહેતાં રૂપિયો સાંકડી વધઘટે અથડાઈ ગયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. ઉ