બોરીવલી-વિરાર વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈનના કામકાજનો ડિસેમ્બર મહિનાથી થશે આરંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પહેલી ડિસેમ્બરથી બોરીવલી અને વિરાર વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામકાજ ચાલુ કરવામાં આવશે અને આ કામકાજ માટે રેલવે કોરિડોરના પાંચમી અને છઠ્ઠી લાઇનમાં આવતા અવરોધોને દૂર કરવામાં આવશે, એમ એમઆરવીસી (મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન)એ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં હાલમાં ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ સુધી અને બોરીવલીથી વિરાર કોરિડોરમાં ચાર લાઇન છે. મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી સુધી પાંચ લાઇન છે. થોડા સમય પહેલા ખાર અને ગોરેગાવ વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાનું કામ પૂરું થયું હતું ત્યારબાદ છઠ્ઠી લાઇનને સંપૂર્ણ પશ્ચિમ લાઇનના કોરિડોરમાં વિકસાવવાની યોજના પણ બનાવી છે, એમ એમઆરવીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલ્વે દ્વારા છઠ્ઠી લાઇનને વિકસાવવાના કામકાજને ૨૦૨૫ સુધી બોરીવલી સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છઠ્ઠી લાઇનનું આ કામ પૂરું થયા બાદ પશ્ચિમ રેલવેના માર્ગ પર દોડતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને આ નવી લાઈનો પર દોડાવવામાં આવશે જેથી લોકલ ટ્રેનોનો પ્રવાસ વધુ ઝડપથી બનવામાં મદદ મળશે.
મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) થ્રીએ હેઠળ આ પ્રોજેક્ટ માટે આ પહેલો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કામકાજને શરૂ કરવા માટેનું સર્વે પૂરું થતાં જમીન માટેની દરખાસ્ત કલેકટર સામે રજુ કરવામાં આવી છે. પાંચમી અને છઠ્ઠી લાઇનમાં આવતા વૃક્ષોને કાપવા માટેની પરવાનગી મેળવવા મહાનગરપાલિકાને પણ અરજી મોકલવામાં આવી છે.
પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવા માટે ત્યાના રસ્તામાં આવતા બુકિંગ ઓફિસ, રિલે રૂમ, ટોઇલેટ બ્લોક્સ અને ઓફિસ સહિત કુલ ૪૭ રેલવેની ઇમારતને તોડવામાં આવશે, જેથી આ કામને આગળ વધારી શકાય સાથે જ રેલવે વિસ્તારોમાં ફૂટ ઓવર બ્રિજ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા ૧૦ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે, એમ એમઆરવીસીના અધિકારીએ જણાવ્યું હતું.