આમચી મુંબઈ

વિઠોબાની સત્તાવાર પૂજામાં અડચણો ઊભી કરશો નહીં: શિંદેની અપીલ

મુંબઈ: કાર્તિકી એકાદશીના પંઢરપૂરમાં વિઠોબાની પૂજા કરવાનો લ્હાવો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનને મળે છે. મહારાષ્ટ્રમાં એ પૂજાનો વિરોધ કે અવરોધ કરવાની કોઈ સંસ્કૃતિ નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપીલ કરી છે કે આ પરંપરાને ખલેલ પહોંચાડવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ.
અષાઢી એકાદશીની જેમ કાર્તિકી એકાદશીના પણ લાખો ભક્તો પંઢરપુર દર્શન માટે આવે છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનને કાર્તિકી એકાદશીના પૂજા કરવાનો લ્હાવો આપવામાં આવે છે. એકાદશીના ધાર્મિક
અને ભક્તિમય વાતાવરણમાં વિરોધ કરવો યોગ્ય નથી. તેથી કોઈએ આ પરંપરાને તોડવાનો અને અવરોધો ઊભો કરવાનો પ્રયાસ ન કરવા સૌને અપીલ કરવામાં આવી છે.
દરમિયાન, મરાઠા ક્રાંતિ મોરચાએ મરાઠા આરક્ષણની માગ માટે નાયબ મુખ્ય પ્રધાન દ્વારા સત્તાવાર ભવ્ય પૂજાનો વિરોધ કર્યો છે. તેવી જ રીતે કોળી સમાજે પણ વિરોધની તલવાર ઊંચી કરી છે. કોળી સમાજને મહાદેવ કોળી જાતિનું પ્રમાણપત્ર મળવું જોઈએ; જ્યાં સુધી સરકાર અમારી માગણી પૂરી નહીં કરે ત્યાં સુધી એક પણ પ્રધાન કે નાયબ મુખ્યપ્રધાનને પંઢરપુરમાં પગ મુકવા દેવાશે નહીં; એવી ચેતવણી મહર્ષિ વાલ્મિકી સંઘના પ્રદેશ અધ્યક્ષે આપી હતી.

મરાઠા અનામત માટેની પ્રક્રિયા યુદ્ધસ્તરે
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું હતું કે અન્ય સમાજની અનામતને નુકસાન પહોંચાડ્યા વગર મરાઠા સમાજને અનામત આપવા માટેની જવાબદારી તેમની સરકારની છે અને આ માટેનું કામ યુદ્ધસ્તરે થઈ રહ્યું છે.
કોલ્હાપુરમાં વિખ્યાત અંબા માતાના મંદિરમાં મહાલક્ષ્મી માતાના દર્શન કરીને બહાર આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે થાણેમાં મનોજ જરાંગે દ્વારા સંબોધવામાં આવેલી રેલી તેમના (એકનાથ શિંદેના) વિરોધમાં નહોતી. તે રાજ્યમાં દરેક સ્થળે જઈ રહ્યા છે અને મરાઠા સમાજના લોકોને મળી રહ્યા છે. સરકારનું વલણ સ્પષ્ટ છે. અમારી જવાબદારી એટલી છે કે મરાઠા સમાજને અનામતનો લાભ આપવો અને અમે આ માટે પ્રતિબદ્ધ છીએ. મરાઠા સમાજને અનામતનો લાભ આપતી વખતે અન્ય સમાજની અનામતને અડ્યા વગર આપવાની જવાબદારી સરકારની છે અને તેને માટેનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે, એમ પણ શિંદેએ કહ્યું હતું.
આ પહેલાં જરાંગે પાટીલે રાજ્ય સરકારને એવી અપીલ કરી હતી કે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની કવાયત કરવાને બદલે રાજ્ય વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં જ મરાઠા સમાજને અનામત આપવાનો કાયદો મંજૂર કરી નાખવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button