ઈન્ટરવલ

…અને જ્યારે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે

વ્યંગ – ભરત વૈષ્ણવ

“ટ્રીન. ટ્રીન, ટ્રીન ટેલિફોનની ઘંટડી વાગતી રહી.
“હેલો. સલામ માલેકુમ! જનાબ કૌન બોલ રિયેલા હૈ?? સામેથી પૃચ્છા થઇ.
હેલાવ ..હેલાવ..,, અમે બોલ્યા.
“જનાબ. આપકી આવાઝ ઠીક સે સુનાઇ નહીં દેતી!! સામેથી ફરિયાદ થઇ.
“હેલાવ, હેલાવ મેરા ફોન કહાં લગા હૈ?? અમે પૂછયું. આજકાલ ફોન પણ છોકરી જેવા થઇ ગયા છે. ગમે ત્યાં ગમે તેની સાથે ચાલુ થઇ જાય. કેટલીક વાર રોંગ નંબર ડાયલ થયેલ હોય અને લવની લેન્ડલાઇન ચાલુ થઇ જાય!
“ફોન તમે લગાડ્યો છે તો કયાં લગાડ્યો તેની તમને ખબર નથી?? સામાન્ય રીતે આવી જ પૃચ્છા થાય.
“મે પાકિસ્તાનના લાહોર શહેરના અનવરમિંયાને ફોન લગાવ્યો છે. અમે ટેલિફોનિક સ્પષ્ટતા કરી.
“જનાબ . અસ્લામ માલેકુમ. હમ હી અનવરમિંયા હૈ. હું લાહોર રહું છું. સામેના છેડેથી પરિચય અપાયો. લાલપુર ફોન લગાવીએ અને લાહોર લાગી જાય!! ફોનની બલિહારી છે!!
“અનવરમિંયા. જય શ્રી રામ.હું ગિરધરલાલ ગરબડિયા બોલું છું. હું બખડજંતર ચેનલનો ચીફ( રાજુ રદીની ભાષામાં ચિપ રિપોર્ટર . એટલે ખોળા મિડિયા. પોલ્સન મિડિયા !!) રિપોર્ટર છું . બખડજંતર ચેનલ કા નામ તો સુના હોંગા! મેં મારો પરિચય આપ્યો!!
જનાબ ક્યારેક ક્યારેક ઇન્ડિયન ચેનલ ટીવીમાં પકડાઇ જાય છે. એ દિવસ અમારા માટે ઇદ સે બઢતર હોતા હૈ!! અમારી ચેનલો તો અમારા મુલ્ક જેવી રેઢિયાળ ,બીબાઢાળ, બેકાર હોય છે!!અન્વરમિંયાએ દાઝ કાઢી!!
અન્વરમિંયા તમારા મુલ્કમાં ફટાકડા ક્યારે ફૂટે છે?? અમે પૂછયું.
જનાબ. અમારા ફટાકડાની ગુંજ હિન્દી ફિલ્મમાં ડોકટર ડેંગને પડેલ તમાચાની ગુંજ કરતા પાવરફૂલ હોય છે?? અમે અહીં ફટાકડા ફોડીએ તો નવી દિલ્હીમાં તેના પડઘા સંભળાય છે?? અન્વર મિંયા અમારો ઇન્ટરવ્યુ લેવા માંડ્યા કે શું??
જનાબ . અમારે નિકાહ શાદી બ્યાહમાં ફટાકડા ફૂટે છે. અલ્લાહ કે ફજલો કરમસે લડકા યા લડકી હોતી હૈ તો ફટાખે જલાયે જાતે હૈ!! અન્વરમિંયાએ જવાબ આપ્યો!
કોઇ બીજા પ્રસંગે ફટાકડા બટાકડા ફૂટે ખરા?? અમે પૂછયું.
જનાબ. અમારે ત્યાંની જીંદગી દોઝખ જેવી છે. અમારે ત્યાં ફટાકડા ફોડવા કરતાં બોમ્બ ફોડવા કિફાયતી છે. અમને લશ્કરે તોયબા, તાલીબાન, હિજબુલ્લાહ કે જગત જમાદાર તરફથી મફતમાં બોમ્બ મળે છે. બોમ્બ અસલી છે કે નકલી તે ચેક કરવા મસ્જિદમાં બડી નમાજમાં, બારાતમાં ,હોસ્પિટલમાં, સ્કૂલોમાં , સ્ટેડિયમમાં ધમાકા કરીએ છીએ!! આમ, પણ રેશનિંગનો લોટ લેવાની લાઇનમાં ભાગદોડ થવાથી અવામ અલ્લાહને પ્યારી થાય છે. બોમ્બ ધડાકાથી પણ અવામ જન્નતમાં બોતેર હૂર સાથે જલ્સા કરવા ઇંતેકાલ પામે છે!! અનવરમિંયાના અવાજમાં અરાજકતા અને અંધાધૂંધીનો ખૌફ બેખૌફ બની છલકાતો હતો!!
“અન્વરમિંયા.બીજા પણ પ્રસંગે ફટાકડા ફૂટતા હશે ને?? અમે ઉલટ તપાસ કરી.
“જનાબ. તમારે ત્યાં લોકશાહી છે. અમારે ત્યાં ઠોકશાહી છે. અમે તમારા મુલકની તરક્કી ,આબાદી, શુકુનની કહેદિલથી ઇર્ષા કરીએ છીએ. તમારી સાથે એક હજાર વરસ લડવાની ડંફાશ મારીએ છીએ. તમારે ત્યા પલીતો ચાંપવા અમારે ત્યા આતંકવાદના હાટડા ધમધમે છે. અમારા કડકા લડકા આતંકવાદ જોઇન કરે એટલે રોજીરોટીની સમસ્યા સોલ્વ થાય છે. જ્યારે કોઇ છોકરો આતંકવાદની રાહ પર નીકળી પડે ત્યારે તેને એન્જોય કરવા ફટાકડા ફોડીએ છીએ!! અનવરમિંયાએ જવાબ આપ્યો.
“અનવરમિંયા. તમારે ત્યાં કોઇ જજને બરતરફ કર્યા છે એ વાત સાચી છે?? અમે સવાલ કર્યો.
“હા, જનાબ. અમારે ત્યાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ સજજાદ ચૌધરીને પૈરો કી જૂતીની જેમ હટાવ્યા હતા. હમણા રાવસપિંડીના એડીશનલ જજ વારિસ અલીએ એક કેસમાં કોર્ટના ચુકાદાનો અમલ ન કરવા બદલ ડીફેન્સ સેક્રેટકીને ફાયર કર્યા હતા. જજ વારિસ અલી સાહેબને બતૌર ઇનામ પદ પરથી ફારેગ કરી દીધા!!
અનવરમિંયાએ સાંપ્રત સ્ફોટક સિચ્યુએશન બ્યાન કરી!!
“અનવરમિંયા. તમારે ત્યા વિધાનસભાની ચૂંટણી થતી હશે?? અમે પૂછ્યો!
“હા. જનાબ . સેના અને આઇએસઆઇ લીલી ઝંડી આપે ત્યારે પરાધીન ચુનાવ આયોગ હિંસા અને ધાંધલી વચ્ચે ચુનાવ ચુનાવની નૌટંકી કરી નાંખે . અન્વરમિયાએ પોલ ખોલ કરી !!
“અનવરમિંયા ભારતમાં ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા જેવા રાજ્યો છે એની ખબર છે?? અમે વધુ એક સવાલ પૂછ્યો.
“જનાબ . ગુજરાત તો મહાત્મા ગાંધીનું માદરે વતન છે. રાજસ્થાન અટંકી મહારાણા પ્રતાપનું વતન છે. તેલંગાણા વિશે કોઇ માલૂમાત નથી!! અન્વયનું સામાન્ય જ્ઞાન અસામાન્ય હતું!!
“ગુજરાત રાજ્ય તમારું પડોશી રાજ્ય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાસકપક્ષની હાર થાય તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે ખરા?? અમે અઘરો સવાલ કર્યો!?
“લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ!! તૌબા તૌબા. તમારી ચૂંટણીમાંમ કોઇની હાર થાય તો અમે શું કામ ફટાકડા ફોડીએ?? બૈગાની શાદીમાં પાક્સ્તિાન શું કામ દિવાના થાય?? કહેતા ભી દિવાના ને સુનતા ભી દિવાના!!
અનવરમિંયાએ સોઇ ઝાટકીને જવાબ આપ્યો!!
મિંયા અત્યારે રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી છે. ચૂંટણી પ્રચારમાં શાસક પક્ષ હારશે તો તમારે ત્યાં ફટાકડા ફૂટશે તેવો શત્રુપ્રચાર કરી મતો બટોરવાનો કારસો થઇ રહ્યો છે!! અમે ઝહેરીલી જમ્હુરિયત વિષે જાણકારી આપી!!
“ગિરધરલાલ. અમારી પાસે બ્રેડ, ચિકન રોટી, પેટ્રોલ ગેસ માટે પૈસા નથી. રોજમર્રાની જીંદગી ફસાઇ ગઇ છે. સિંહને ખવડાવવા પૈસા ન હોવાથી ઝૂ વેચવા કાઢ્યું છે. વિમાનમાં ભરવા એવિશિયેશન ફયુલ ન હોવાથી ફલાઇટો ટેઇક ઓફ કરી શકતી નથી. ત્યાં તમારા આવામની ચુનાવમાં હારજીત માટે અમે ફટાકડા ફોડીએ એટલા પાગલ થોડા છીએ. તમારા નેતાની લોકોને ગુમરાહ કરવાની શૈતાની ચાલ છે. અમે, આજે બેવજહ ખૂબ ફટાકડા ફોડવાના છીએ!! અન્વરમિંયાએ પ્લાનિંગ બતાવ્યું!!
“કેમ અનવરમિંયા ?? અમે ટૂંકાક્ષરી સવાલ કર્યો!!
“તમે વર્લ્ર્ડ કપની ફાઇનલમાં દુબઇ યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટની જેમ વન સાઇડેડ હાર્યા એટલે અમારે ઇદ!! અન્વરમિંયાએ પોત પ્રકાશ્યું.
“મિંયા ઓગણીસ સો બાણુંમાં અમારા જેન્ટલમેન લિટલ ગાવસ્કરે વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાન જીતશે તો ટ્રોફી એશિયામાં રહેશે તેમ કહી સપોર્ટ કરેલ!! અમે અતીત યાદ કરાવ્યો !!
“સાહેબ એ તમારી પુશ્તૈની નબળાઈ છે. જનાબ તમારા અને અમારામાં આ જ ડિફરન્સ છે. તમે કૃતજ્ઞ અને અને કૃતધ્ન એટલે અહેસાન ફરામોશ છીએ. તમે તેમાં જ માર ખાઇ જાવ છો. તમે મોહમ્મદ ઘોરીને જીવતદાન દેવાના બદલે શિરચ્છેદ કર્યો હોત તો પરિસ્થિતિ અલગ હોત!!તેમાં તમે જનરસ એટલે કે ઉદાર છો. અમે જેલસ એટલે કે ઇર્ષાળું છીએ. મિંયાએ મિંયા અને મહાદેવનો ભેદ સમજાવ્યો !!
વાહ મિંયા વાહ!! અમે બોલી ઉઠયા!!
એ તો તમે ક્રિકેટ વર્લ્ડ કંપની ફાઇનલમાં વીસ વરસ પછી ઓસ્ટ્રેલિયાના હાથે ફરીથી શિકસ્ત પામ્યા એટલે. અમે પડોશીના સુખે સુખી અને પડોશીના દુ:ખે દુ:ખી થતા સેન્ટિમેન્ટલ ફૂલ કે કુલ નથી. અમે પડોશીની શિકસ્તનો જશ્ન મનાવીએ છીએ . ભલે અમે પડોશીના હાથે એકથી વધુ વાર ખોખરા ન થયા હોઇએ!! અન્વરમિંયા ઉવાચ !!
એલાવ એલાવ એલાવ અમે બોલતા રહ્યા.
ઇસ રૂટ કી સભી લાઇન વ્યસ્ત હૈ. આપ કતાર મેં હૈ!!કૃપયા ખરખર ખરખર!!
અમે ગુસ્સામાં ફોન પટક્યો !! ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button