નેશનલ

મમતા દીદીએ ‘દાદા’ને બનાવ્યા પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર

કોલકાતાઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપ પૂરો થયો છે ત્યારે ભારતીય ક્રિકેટમાં રોજ અવનવા સમાચારો જાણવા મળી રહ્યા છે, ત્યારે આજે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ઉર્ફે દાદાને સૌથી મોટી જવાબદારી સોંપીને લોકોને ચોંકાવી નાખ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને એક નવી જવાબદારી મળી છે. ગાંગુલીની પશ્ચિમ બંગાળના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણુક થઇ છે. તેઓ પહેલા બંગાળ ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈના અધ્યક્ષપદે રહી ચુક્યા છે અને હવે તેઓ રાજ્યના એમ્બેસેડર તરીકેની જવાબદારી ઉપાડશે.

બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું કે સૌરવ ગાંગુલી બંગાળ સહિત દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે યુવાપેઢી માટે સારું કામ કરી શકે છે, તેથી હું તેમને બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરું છું.

સૌરવ ગાંગુલીને દેશના લોકપ્રિય ખેલાડીઓમાંથી એક છે. તેમને દાદાના નામથી પણ ઓળખવામાં આવે છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે તેમણે કરેલી કામગીરી ખૂબ જ વખણાઇ હતી. ગાંગુલીએ ભારત તરફથી 113 મેચ રમીને 7212 રન બનાવ્યા છે.

સૌરવ ગાંગુલીએ તેની ક્રિકેટની કારકિર્દીમાં 16 સેન્ચુરી અને એક ડબલ સેન્ચુરી પણ ફટકારી ચાહકોના દિલ જીત્યા છે, જ્યારે વન-ડેમાં તેમણે 311 મેચમાં 100 વિકેટ લેવાની સાથે 11,613 રન પણ બનાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button