નવી દિલ્લી: નેશનલ હેરાલ્ડ કેસમાં તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એસોસિયેટડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ની કરોડો રુપિયાની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ સૌથી મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસે કેન્દ્ર સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી સાથે કનેકટેડ નેશનલ હેરાલ્ડ કેસમાં 752 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી છે. આ અગાઉ ઈડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી ચૂકી છે.
કેન્દ્રીય એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપતિમાં દિલ્હી, મુંબઈ અને લખનઊ સહિત અન્ય જગ્યાની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે, જ્યારે કુલ સંપત્તિ 661.69 કરોડ છે, જ્યારે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ છે.
ઇડીએ નેશનલ હેરાલ્ડની દિલ્હી ખાતે આવેલું નેશનલ હેરાલ્ડનું ઘર, લખનઉમાં નહેરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસ આ તમામ સંપતિઓ જપ્ત કરી છે. દરમિયાન ઇડી દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર પર કાર્યવાહી કરતાં કોંગ્રેસે ભાજપની જોરદાર ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ એક્સ પર લખ્યું હતું કે ઈડી દ્વારા એજેએલની પ્રોપર્ટીઝ જપ્ત કરવાની બાબત એ લોકોનું ધ્યાન હટાવવા અને ચૂંટણીમાં થનારી હારની હતાશાનો નિર્દેશ કરે છે.
અખબારના પ્રકાશક કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને તેની હોલ્ડિંગ કંપની યંગ ઈન્ડિયા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું ઇડીએ જણાવ્યું હતું.
યંગ ઈન્ડિયાના એજેએલ કંપનીના 90.21 કરોડ રૂપિયાના શેર પણ ઇડીએ જપ્ત કર્યા હતા. ઇડીએ આ મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા.
Taboola Feed