શાળાના પાઠ્યપુસ્તકોમાં રામાયણ અને મહાભારતના પ્રકરણો સમાવવાની NCERTની માગ
નવી દિલ્હી: NCERT- નેશનલ કાઉન્સીલ ફોર એજ્યુકેશનલ રિસર્ચની હાઇ લેવલ કમિટી દ્વારા રામાયણ અને મહાભારતને પાઠ્યપુસ્તકોમાં સમાવવાની ભલામણ કરવામાં આવી છે. પેનલે પ્રસ્તાવ મુક્યો છે કે ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તકોમાં બાળકોને રામાયણ અને મહાભારતના પાઠ ભણાવવામાં આવે તેમજ વર્ગખંડની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવામાં આવે તેવો પણ અનુરોધ NCERT દ્વારા કરવામાં આવ્યો હતો.
સાત સભ્યોની કમિટીના ચેરમેન સીઆઇ ઇસાકે જણાવ્યું હતું કે NCERTની રાષ્ટ્રીય સામાજિક વિજ્ઞાન સમિતિએ શાળાના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે રચાયેલા પાઠ્યપુસ્તકોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી, વેદ અને આયુર્વેદનો સમાવેશ કરવા સહિત અનેક દરખાસ્તો કરી છે. આ સૂચનો સામાજિક વિજ્ઞાન પરના ફાઇનલ પોઝિશન પેપરનો ભાગ છે, જે એક મુખ્ય દસ્તાવેજ છે જેના આધારે નવા NCERT પાઠ્યપુસ્તકો ઘડવામાં આવશે.
પ્રોફેસરે કહ્યું હતું કે પેનલે ઇતિહાસને ચાર સમયગાળામાં વર્ગીકૃત કરવાની ભલામણ કરી છે, શાસ્ત્રીય સમયગાળો, મધ્યકાલીન સમયગાળો, બ્રિટિશ યુગ અને આધુનિક ભારત. અત્યાર સુધીમાં ભારતીય ઈતિહાસના માત્ર 3 જ વર્ગીકરણો કરવામાં આવે છે – પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારત. શાસ્ત્રીય સમયગાળાના સમાવેશ સાથે પેનલના સભ્યો ભલામણ કરી રહ્યા છે કે 2 પ્રાચીન ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત બાળકોને શીખવવામાં આવે. વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ કે રામ કોણ હતા અને તેમનો હેતુ શું હતો.