મ્યાનમારના સૈનિકોની સાથે શરણાર્થીઓને ભારતમાં એન્ટ્રી પણ શરતી…
ભારતના પડોશી દેશ મ્યાનમારમાં 2021 માં લશ્કરી બળવા પછી લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના સૌથી વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે 1643 કિલોમીટર લાંબી મ્યાનમાર સરહદની રક્ષા કરતી આસામ રાઈફલ્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ દેશમાં આશરો લઈ રહેલા ગ્રામજનોની સુરક્ષા કરે એટલું જ નહીં, પરંતુ મ્યાનમારના લોકો મ્યાનમાર આર્મીના કર્મચારીઓને પણ પ્રવેશની મંજૂરી આપે.
ચીન રાજ્યના સરહદી વિસ્તારોમાં બળવાખોર જૂથો અને જુન્ટા આર્મી વચ્ચેની તાજેતરની લડાઈ પછી, નજીકના ઉત્તર-પૂર્વ રાજ્ય મિઝોરમમાં સ્થિતિ હજુ પણ થાળે પડી નથી. મિઝોરમ પોલીસ અને આસામ રાઈફલ્સે સરહદી વિસ્તારોમાં પૂરતી સુરક્ષા તૈનાત કરી છે. મ્યાનમારથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ મિઝોરમ આવી રહ્યા છે. આ દરમિયાન વિદ્રોહી જૂથોએ આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ મ્યાનમારના ઘણા સૈનિકો મિઝોરમ આવ્યા હોવાના અહેવાલો છે.
ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (GOC-In-C) લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતાએ મંગળવારે આ માહિતી આપી હતી. ગયા અઠવાડિયે મ્યાનમારથી ભારતમાં પ્રવેશેલા 5000 શરણાર્થીઓ અને મ્યાનમાર આર્મીના 60 સૈનિકોને મ્યાનમાર પરત સોંપવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં લઈ તેમણે આ નિવેદન આપ્યું છે.
મ્યાનમારમાં વિપક્ષી જૂથો દ્વારા કરાયેલા હુમલા બાદ ભારતીય સરહદ પાર કરી રહેલા સૈનિકોને તેમના શસ્ત્રો સમર્પણ કરવાનું કહેવામાં આવે છે. મ્યાનમારના અધિકારીઓને સોંપવામાં આવે તે પહેલાં તેમની ઓળખ જાહેર કરવામાં આવે છે. જો કે, અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ સશસ્ત્ર વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. ડ્રગ્સના દાણચોરો શરણાર્થીઓના સ્વાંગમાં ભારતમાં પ્રવેશી ન શકે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મોટાભાગના શરણાર્થીઓ મિઝોરમ મારફતે ભારતમાં પ્રવેશી રહ્યા છે. મિઝોરમ ઉપરાંત, કેટલાક શરણાર્થીઓ સંઘર્ષગ્રસ્ત મણિપુરમાંથી પણ આવી રહ્યા છે. મ્યાનમાર નાગાલેન્ડ અને મણિપુર સહિતના ઉત્તર-પૂર્વીય રાજ્યો સાથે 1640 કિમીની સરહદ ધરાવે છે.