‘મારે મારી માતાને કંઇક કહેવું છે’…10 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરે મોકલ્યો ખાસ સંદેશ, સાંભળીને થઇ જવાશે ઇમોશનલ
ઉત્તરાખંડ: “હું ઠીક છું મા. તમે સમયસર જમી લેજો.” 10 દિવસથી ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા 41 મજૂરોમાંથી એક મજૂરે તેના માતાપિતા માટે આ ખાસ સંદેશો મોકલાવ્યો હતો. તેની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. વિકટ પરિસ્થિતિમાં પોતાનો જીવ જોખમમાં મુકાયો હોવા છતાં પણ આ શ્રમિકે તેના પરિવારજનોની ચિંતા કરી હતી.
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 10 દિવસથી 41 શ્રમિકો ફસાયા છે. એન્ડોસ્કોપીક કેમેરાની મદદથી પહેલીવાર તેમની સ્થિતિના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તમામ મજૂરો સુરક્ષિત છે અને યુદ્ધના ધોરણે તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ટનલમાં ડ્રિલિંગ કરીને પાઇપલાઇન ઉતારવામાં આવી છે અને આ પાઇપલાઇન વડે એન્ડોસ્કોપીક કેમેરો ટનલની અંદર ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ વોકી ટોકી વડે શ્રમિકો સાથે રેસ્ક્યુ ટીમે વાતચીત કરી હતી.
વારાફરતી તમામ શ્રમિકોએ વોકી ટોકીમાં પોતાના પરિવારજનો માટે સંદેશો મોકલાવ્યો હતો. પશ્ચિમ બંગાળના જયદેવ નામના એક શ્રમિકે ટીમને મેસેજ મોકલતા કહ્યું હતું કે મારે મારી માતાને કંઇક કહેવું છે. એ પછી તેણે બંગાળીમાં કહ્યું, “મા તમે મારી ચિંતા ન કરતા, હું ઠીક છું. પપ્પા અને તમે સમયસર જમી લેજો.” જયદેવની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકો ઇમોશનલ થઇ ગયા હતા.
સુરંગની અંદર શ્રમિકો સુધી કેમેરો પહોંચાડીને રેસ્ક્યુ ટીમે વારાફરતી શ્રમિકોને કેમેરા પાસે આવવાનું કહ્યું, જેથી આ ફૂટેજ તેમના પરિવારજનોને દેખાડી શકાય અને તેમને જાણ થાય કે શ્રમિકો સુરક્ષિત છે. ટનલની અંદર ફસાયેલા તમામ શ્રમિકો સાથે કોમ્યુનિકેશન સાધવા સક્ષમ હોવું એ રેસ્ક્યુ ઓપરેશનની મોટી સફળતા માનવામાં આવે છે. ટનલમાં હવે અધિકારીઓ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડ્રિલિંગ કરી રહ્યા છે. તેમ છતાં રેસ્કયુમાં હજુ 2થી 3 દિવસ લાગશે. પાઇપલાઇન દ્વારા શ્રમિકોને ખોરાક-પાણી, દવાઓ તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી રહી છે.