
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં ઘુસી જનાર પેલેસ્ટાઇન સમર્થકે કઇ રીતે વિરાટ પાસે પહોંચ્યો તેનો વીડિયો સામે આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાનો નાગરિક વેન જોન્સન મેચમાં ‘પેલેસ્ટાઇન પર બોમ્બમારો ન કરો’ લખાણ ધરાવતી ટી-શર્ટ પહેરીને મેદાનમાં ઘુસી આવ્યો હતો અને વિરાટ કોહલીને તેણે પાછળથી પકડી લીધો હતો. વિરાટ પણ અચાનક જ કોઇએ આ રીતે પકડી લેતા ગભરાઇ ગયો હતો, જો કે સુરક્ષાકર્મીઓ તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા હતા અને આ યુવકને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.
વેન જોન્સન એક ટિકટોકર છે અને તે પહેલા પણ આ પ્રકારની હરકતો કરી ચુક્યો છે. જોન્સનના આ વીડિયોમાં જોઇ શકાય છે કે કઇરીતે તે સ્ટેડિયમની રેલિંગ પર ચડી રહ્યો છે પછી તે પડી જાય છે, અને તે પછી ફરી કૂદીને દોડીને ત્યાં ઉભેલા સુરક્ષાકર્મીઓને ધક્કો મારીને મેદાન બાજુ જતો રહે છે. સમગ્ર વીડિયો જોયા બાદ એવું લાગે છે કે સુરક્ષા બંદોબસ્તમાં એક ગંભીર ખામી સર્જાઇ હતી.
આ યુવકની ઉંમર ફક્ત 24 વર્ષની જ છે અને ઘટના બાદ જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે તેણે કહ્યું હતું કે પેલેસ્ટાઇનને સમર્થનનો સંદેશ આપવા અને કોહલીને મળવા માટે તેણે એવું કર્યું હતું. તેણે ઓનલાઇન જ મેચની ટિકીટ બુક કરાવી હતી અને સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને તે દાખલ થયો હતો. પછી સ્ટેડિયમની અંદર જ તેણે પોતાનું ટી-શર્ટ બદલી નાખ્યું હતું અને પેલેસ્ટાઇનના મેસેજવાળી ટીશર્ટ પહેરી લીધી હતી.