ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈઝરાયલનો સૌથી મોટો નિર્ણયઃ લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

નવી દિલ્લી: 26-11 2008ના રોજ મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાને થોડા દિવસો બાદ 15 વર્ષ પૂર્ણ થશે ત્યારે ઇઝરાયલે એક મહત્વનો નિર્ણય લેતા લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ વિશે સોશિયલ મીડિયા સાઇટ X પરની એક પોસ્ટમાં ઇઝરાયલી દૂતાવાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુંબઇ આતંકવાદી હુમલાને 15 વર્ષ પૂર્ણ થતા ઇઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકી સંગઠન તરીકે સૂચિબદ્ધ કર્યું છે.

ઇઝરાયલનું આ પગલું એટલા માટે મહત્વનું છે કારણકે ઇઝરાયલ અને હમાસ વચ્ચે હાલ ચાલી રહેલા યુદ્ધમાં ભારત પાસેથી સમર્થનની આશામાં ઇઝરાયલે ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે તેવી માગ કરી હતી. લશ્કર-એ-તૈયબાને આંતકી સંગઠન જાહેર કરવા અંગે ભારતની સરકારે ઇઝરાયલને અનુરોધ નહોતો કર્યો. તેમ છતાં ઇઝરાયલે પોતાની રીતે જ તમામ ઔપચારિકતા પૂર્ણ કરી લીધી હતી.

આ નિર્ણય પાછળનું કારણ જણાવતા ઈઝરાયેલે કહ્યું હતું કે આતંકવાદના જોખમ સામે સંયુક્તપણે વૈશ્વિક મોરચો ઉભો કરવા માટે આ કરવામાં આવ્યું છે. મુંબઇ હુમલાનો ભોગ બનેલા તમામ લોકો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઇઝરાયલ નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે, તેવું ઇઝરાયલી દૂતાવાસે જણાવ્યું હતું.

ઇઝરાયલે પોતે જાહેર કરેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે નિયમો મુજબ ઇઝરાયલ એ જ સંગઠનોને પોતાની યાદીમાં જાહેર કરે છે કે જેઓ ઇઝરાયલની સરહદની અંદર અથવા તેની આસપાસ એક્ટિવ થઇને ઇઝરાયલની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. આવું જ વલણ ભારત માટે પણ છે. વૈશ્વિક સ્તરે UNSC તથા અમેરિકા રાજ્ય વિભાગ દ્વારા ઘોષિત કરવામાં આવેલા આતંકવાદી સંગઠનોને ઇઝરાયલ પણ આતંકી સંગઠન તરીકે જાહેર કરે છે તેવું ઇઝરાયલે નિવેદનમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button