નેશનલ

કોંગ્રેસના 36, બીજેપીના 31…

રાજસ્થાનના જાટ બેલ્ટમાં કોનું ચાલશે ટ્રમ્પ કાર્ડ?

જયપુરઃ રાજસ્થાન માટે અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે જાટ રાજકારણ કેન્દ્રમાં આવી ગયું છે. પીએમ મોદીએ જાટ માટે આરક્ષણની વાત કરી છે, ત્યારે આરએલડીના વડા જયંત ચૌધરીએ પણ ભરતપુરમાં રેલી યોજી હતી અને પાર્ટીના ગઠબંધન ભાગીદાર કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માટે હાકલ કરી હતી. આવા સમયે એવો સવાલ થાય કે શા માટે દરેક પક્ષ અને દરેક નેતા જાટ પર આટલો ભાર મૂકે છે? આ સવાલનો જવાબ સમજવા અહીંનું રાજકીય ગણિત સમજવા જેવું છે.

રાજસ્થાનના રાજકારણમાં એક કહેવત છે – ‘જેના જાટ, તેના ઠાઠ.’ રાજ્યની રાજનીતિમાં જાટ મતદારો જે પણ પક્ષ સાથે જાય છે, તે પક્ષ માટે જયપુરની ગાદી સુધીનો રસ્તો સરળ બની જાય છે. રાજ્યની 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થવાનું છે અને મતદાન પહેલા જાટ મતદારો ફરી એકવાર રાજ્યના રાજકારણનું કેન્દ્ર બની ગયા છે. સત્તાધારી કોંગ્રેસ હોય કે વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP), બંને પક્ષો જાટ મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કોંગ્રેસે 200માંથી 36 બેઠકો પર જાટ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે પણ 31 બેઠકો પર જાટ કાર્ડ ઉતાર્યા છે. ચૂંટણી પ્રચાર જાટ કાર્ડ બાદ હવે બંને પક્ષો વચ્ચે જાટ મતોની લડાઈ સ્પષ્ટ દેખાઈ રહી છે.


કોંગ્રેસે જાટ મહાસભાની જાતિ ગણતરીની માંગને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરી છે. આ બધાની વચ્ચે જાટ વોટ અને કોંગ્રેસના પ્રચારની વચ્ચે બીજેપીના ટ્રમ્પ કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. પીએમ મોદીએ જાટલેન્ડના જાટ સમુદાયને અનામતની યાદ અપાવી છે અને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા છે. રાજસ્થાનના જાટલેન્ડ ગણાતા ભરતપુર અને નાગૌરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને 50 વર્ષ પછી ઓબીસીની યાદ આવી છે. જાટોને ઓબીસી અનામતના દાયરામાં લાવવાનું કામ પણ ભાજપ સરકારે કર્યું છે. 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્ય પ્રધાનવસુંધરા રાજેએ પણ પોતાને જાટોની વહુ ગણાવીને વોટ માંગ્યા હતા, પરંતુ હવે વડાપ્રધાન મોદીનું જાટ કાર્ડ કેટલાક સ્પષ્ટ સંકેતો આપે છે.


જાટ મહાસભા 40 ટિકિટ માંગી રહી હતી, પણ કૉંગ્રેસે તેમને 36 ટિકિટ આપી છે. કૉંગ્રેસે મહાસભાની જાતિ ગણતરીની માંગને પણ મુદ્દો બનાવ્યો છે. રાહુલ ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખડગે સુધી, કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ જો તેઓ સત્તામાં પાછા ફરશે તો તેમની રેલીઓમાં જાતિ ગણતરી કરાવવાનું વચન આપ્યું છે. હવે રાષ્ટ્રીય લોકદળ એટલે કે આરએલડીએ પણ આમાં ઝંપલાવ્યુ છે. આરએલડીના જયંત ચૌધરીએ ભરતપુરથી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલી યોજી હતી જેમાં સીએમ ગેહલોત પણ હાજર હતા. આરએલડીનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે અને આરએલડીએ ફરી ગેહલોત સરકારનો નારો આપ્યો છે.

પીએમ મોદીના જાટ કાર્ડ પાછળ એક કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે હનુમાન બેનીવાલની પાર્ટી અલગ સૂર વગાડી રહી છે જે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે હતી. આરએલપી પણ ચૂંટણી મેદાનમાં હોવાને કારણે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અશોક ગેહલોતની સરકારથી નારાજ જાટ મતો ભાજપ અને આરએલપી વચ્ચે વહેંચાઈ શકે છે. જો આમ થશે તો ભાજપને નુકસાન થઈ શકે છે.

ભાજપે 31 જાટ નેતાઓને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે 36ને ટિકિટ આપી છે.આ બે સિવાય ત્રણ જાટ પાર્ટીઓ પણ ચૂંટણી મેદાનમાં પડકારરૂપ છે – હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP), જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ (RLD) અને દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી). માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં, પરંતુ જાટ નેતા બેનીવાલ તેમજ યુપી અને હરિયાણાના જાટ પક્ષોની નજર રાજ્યની સૌથી મોટી ઓબીસી વસ્તી એટલે કે 14 ટકા જાટ સમુદાયની વોટ બેંક પર છે.


રાજસ્થાનમાં દરેક પાર્ટીનું રાજકારણ જાટ મતોની આસપાસ કેમ ફરે છે? તેની પાછળનું કારણ માત્ર જાટલેન્ડની રાજનીતિ નથી. એમ કહેવાય છએ કે જાટ લોકો જેની સાથે જાય છે ત્યારે તેમનો આખો સમાજ એ પક્ષ સાથે જાય છે. જયપુર અને તેની આસપાસની કેટલીક સીટો પર જીત કે હાર નક્કી કરવામાં પણ જાટ મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. રાજસ્થાનની ચૂંટણીમાં જાટ સીએમનો મુદ્દો પણ જોર પકડે છે. હનુમાન બેનીવાલ પોતાની જાહેર સભાઓમાં જાટ સીએમનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવી રહ્યા છે.

બેનીવાલની રણનીતિ જાટ મતોના રાજકારણમાં કોંગ્રેસ અને ભાજપને જાટ સીએમ માટે મજબૂર કરવાની છે. બીજેપીએ નાગૌર સીટ પરથી જ્યોતિ મિર્ધાને મેદાનમાં ઉતારીને જાટલેન્ડમાં મોટી ચાલ કરી લીધી છે. ડૉ. જ્યોતિ મિર્ધા, જેઓ 2009માં કૉંગ્રેસની ટિકિટ પર નાગૌર બેઠક પરથી સાંસદ હતા, તે કૉંગ્રેસના અગ્રણી જાટ નેતા નાથુરામ મિર્ધાની પૌત્રી છે. બેનીવાલની પાર્ટીએ નાગૌરમાં ઉમેદવાર ઉભા રાખ્યા નથી.

કોંગ્રેસ પાસે દિવ્યા મદેરણાના રૂપમાં મોટો જાટ ચહેરો પણ છે. દિવ્યા મદેરણા પરિવારની ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે જાટ સમાજના રાજકારણમાં મજબૂત પકડ ધરાવે છે. દિવ્યાના દાદા પરસરામ મદેરણા એક સમયે રાજસ્થાનના મુખ્ય પ્રધાનની રેસમાં હતા, જોકે તેઓ મુખ્ય પ્રધાન બની શક્યા ન હતા. દિવ્યાના પિતા મહિપાલ મદેરણા પણ રાજકારણમાં હતા અને અશોક ગેહલોતની સરકારમાં મંત્રી હતા.


આમ જાટ મતોની લડાઈ માત્ર ભાજપ-કોંગ્રેસ-આરએલપી વચ્ચે જ નથી, પરંતુ એક રીતે તે જ્યોતિ મિર્ધા, દિવ્યા મદેરણા અને હનુમાન બેનીવાલ વચ્ચે પણ છે. જેમાં મિર્ધા અને મદેરણા પરિવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગશે અને બેનીવાલને જાટ રાજનીતિના નેતા તરીકે પોતાને સાબિત કરવાનો પડકાર રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત