તમે ખાધા પછી તરત પાછું ખાવ છો? અધ્યશન-રોગોનું ઘર
તન-દુરસ્તી મન-દુરસ્તી – એમ. જોશી
મનુષ્ય શરીરમાં જીભ એ એક એવું અંગ છે જેને જ્ઞાનેન્દ્રીય અને કર્મેન્દ્રીય બન્ને વિભાગમાં સ્થાન મળેલું છે. જ્ઞાનેન્દ્રીય તરીકે તે રસના નામથી ઓળખાય છે અને સ્વાદનું જ્ઞાન કરાવે છે. જ્યારે કર્મેન્દ્રીય તરીકે તે વાગેન્દ્રીય નામે ઓળખાય છે અને બોલવાનું કર્મ કરે છે.
આનાં પરથી જીભનાં મહત્ત્વનો ખ્યાલ આવે છે. રમૂજમાં કહીએ તો એમ કહી શકાય કે જો તબિયત સારી રાખવી હોય તો ખાવામાં અને બોલવામાં બન્ને રીતે જીભ પર કાબૂ રાખવો જોઈએ.
આ વિધાન ભલે રમૂજમાં કહેવાયું હોય પણ એ તદ્દન સાચું છે! રોજિંદા જીવનમાં જોવાં મળતી આરોગ્ય વિષયક અને સામાજિક બન્ને તકલીફોમાં જીભની ખૂબ જ મોટી ભૂમિકા છે. ડોસીશાસ્ત્રમાં એક ઉક્તિ ખૂબ પ્રસિદ્ધ છે કે જીભમાં હાડકા નથી હોતાં પણ એ (નિરર્થક બોલીને) હાડકા ભંગાવી શકે છે ! અને આ જ જીભની સ્વાદ લોલુપતાને વશ થઈને જો આહારશૈલી અપનાવો તો એ શરીરનાં તમામ હાડકાને ચિતા સુધી પણ પહોંચાડી શકે છે.
જીભની એટલે કે વ્યક્તિની સ્વાદપ્રિય પ્રકૃતિને જો કંટ્રોલ કરવામાં ન આવે તો એનાં કારણે મુખ્ય નીચેની કુટેવો જોવાં મળે છે.
૧) – અતિઆહાર (ઓવરઇટિંગ) :
સ્વાસ્થ્ય માટે ગુણકારી આહાર પણ જો માત્રાથી વધુ લેવામાં આવે તો નુકસાન જ કરે છે તો પછી અત્યારનાં સીનારીઓ મુજબ જો જંકફૂડ, ફાસ્ટફૂડ વગેરે માત્રાથી વધુ લેવાય તો હાનિકારક જ નીવડે એ વાત દીવા જેવી ચોખ્ખી છે.
૨) – હાનિકારક ખોરાક :- જીભનાં ચટાકાંને અને ખાઉઘરાપણાંને લીધે મસાલેદાર, ચટાકેદાર, તીખા – તમતમતાં, તળેલાં, સેચ્યુરેટેડ ફેટથી ફાટફાટ થતાં, મેંદો વગેરેથી બનતાં વ્યંજનોનું પ્રમાણ રોજિંદા ખોરાકમાં વધતું રહે છે જે તમામ રીતે નુકસાનકારક છે.
૩)- અધ્યશન (અધિ + અશન) એટલે કે ખાધા ઊપર પાછું તરત ખાવું.
આ સૌથી વધુ નુકસાનકારક ટેવ છે. કેમ કે તેમાં ઉપરની બન્ને કુટેવો આવી જ જાય છે. તદ્દઉપરાંત તે શરીરની અને પાચનતંત્રની બાયો રિધમ ખોરવી નાંખે છે.
આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય શરીર એ પૃથ્વી પરનાં સૌથી ઉત્તમ યંત્રને ટક્કર મારે તેવી રચના છે. પણ, યંત્રો નિર્જીવ છે ને શરીર સજીવ છે એટલે શરીરની દરેક પ્રક્રિયા એક બાયોલોજીકલ ક્લોક મુજબ ચાલે છે. જેમ કે, શરીરને શ્રમ મુજબ જો સાત કલાકની ઊંઘની જરૂર હશે તો સાત કલાક પછી એની જાતે જ ઊંઘ ઊડી જશે. કોઈને સવારે ઉઠ્યાં પછી ચા પી અને ફ્રેશ થવાની રિધમ ગોઠવાઈ હશે તો જ્યાં સુધી ચા નહીં પીએ ત્યાં સુધી એને ફ્રેશ થવાની મજા નહીં આવે. આમ, દરેક દેહધાર્મિક ક્રિયાઓ એક ચોક્કસ રિધમમાં થતી હોય છે. જેમાંની ઘણી પ્રક્રિયાઓ બધાં મનુષ્યોમાં સરખી હોય શકે અને ઘણી વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય શકે.
આહાર પચવાની પ્રક્રિયા (ડાયજેશન) પણ એક ચોક્કસ લય કે પેટર્ન ધરાવે છે. જેમ કે સામાન્ય રીતે ખોરાક લીધાં પછી દોઢથી બે કલાકમાં હોજરીમાં થતી પાચનક્રિયા પુરી થઈને ખોરાક હોજરીમાંથી આગળની પાચનક્રિયા માટે નાનાં આંતરડામાં જતો રહે છે અને હોજરી ખાલી થઈ જાય છે. આ સમયગાળો વ્યક્તિની ઉંમર, ડાયાબિટીસ જેવી બીમારીઓ, આહારનાં પ્રકાર અને પ્રમાણ અનુસાર બદલાઈ જાય છે. આપણે ઘણીવાર એવું અનુભવીએ છીએ કે બપોરે પ્રસંગમાં કે હોટેલમાં રોજિંદા કરતાં જુદું કે ભારે ભોજન લીધું હોય તો સાંજ સુધી પેટ ભારે રહે છે અને સાંજે ભોજનનાં સમયે પણ ભૂખ નથી લાગતી.
તે સમયે પણ જો ખાઈ લેવામાં આવે તો એ પણ અધ્યશનનો જ એક પ્રકાર થયો.
સામાન્ય રીતે અધ્યશન એટલે પૂર્વે લીધેલ ખોરાકનું યોગ્ય પાચન ન થયું હોય કે તે હજુ હોજરીમાં જ હોય ત્યાં ફરીથી આહાર લેવો.
એકસાથે લેવાયેલો આહાર હોજરી(જઠર)માંની પાચનક્રિયા પૂરી થતાં એકસાથે ડ્યુઓડીનમમાં જાય તે પ્રાકૃતિક વ્યવસ્થા છે. પણ, એકવાર પેટભરીને ભોજન લીધાં પછી અડધી પોણી કલાકમાં ફરીથી કંઈ ખાવાથી હોજરીમા પહેલેથી રહેલાં ખોરાકનાં પાચનનો તબક્કો (સ્ટેજ) અને નવાં આવેલાં આહારનું પાચન સ્ટેજ અલગ પડે છે. પરિણામે જ્યારે હોજરી ખાલી થવાનો ટાઈમ થાય ત્યારે નવો પાછળથી ખવાયેલ આહાર અર્ધપક્વ હાલતમાં જ નાનાં આંતરડામાં જતો રહે છે જે પાચનની બાયોરિધમને ખોરવીને નુકસાનકારક નીવડે છે અથવા વધુ માત્રામાં હોવાને હિસાબે હોજરીમા જ પડ્યો રહે છે. નિયત કરતાં વધુ સમય હોજરીમાં પડ્યો રહેતો આહાર પણ જૈવિક ઘડિયાળને ડિસ્ટર્બ કરે છે અને ત્યાં પડ્યાં પડ્યાં ફર્મેન્ટેડ થઈને ગેસ, ઍસિડિટી, અપચો, અગ્નિમાંદ્ય, કબજિયાત વગેરે અનેક રોગોનું મૂળ બની શકે છે. વન્સ ઈન અ વ્હાઇલ એટલે કે ક્યારેક જો આવું થતું હોય તો શરીર નામનું અદ્ભુત યંત્ર આ ક્ષતિઓ મેનેજ કરી લે છે પણ, આવું વારંવાર થાય તો શરીરની સિસ્ટમ ખોરવાય જવાની શક્યતા વધે છે.
એટલે જો આખીયે વાતનો અર્ક કાઢવો હોય તો એમ કહી શકાય કે એકવાર કંઈપણ ખાધા પછી સામાન્ય રીતે ચારથી છ કલાક બીજું કશું ન ખાવું જોઈએ. બાળકો, વૃદ્ધો અને અમુક રોગોમાં તબીબો ફ્રિકવન્ટ એન્ડ લેસ ફૂડની સલાહ આપે છે તે આમાં અપવાદરૂપ છે. જો ચાર -છ કલાક શક્ય ન હોય તો મિનિમમ બે કલાક સુધી તો સજાગ રહીને કશું ખાવું ન જોઈએ. આ સ્વાસ્થ્યનાં અનેક સુવર્ણ નિયમોમાંથી એક મહત્ત્વનો નિયમ છે.