તહેવાર પ્રસંગે ખવાતી બાસુંદીના આરોગ્યવર્ધક ગુણો જાણી લેવા જેવા છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
દિવાળીના શુભ દિવસોમાં ગળ્યું મોં કરાવવાની પ્રથા ભારતીય પરંપરા છે. ચાલો આજે આપણે ગળ્યું મોં કરી લઈએ. બાસુંદીનું નામ વાંચીને જ આપણને તો મોંઢામાં પાણી આવવા જ લાગે. કેમ ખરું ને! દૂધની મીઠાઈ ખાવાના શોખીનો તો અચૂક ડોકું હકારમાં હલાવતાં, મસ્ત આંખો બંધ કરીને હુંકારો દેશે. સ્વાસ્થ્યવર્ધક બાસુંંદી દૂધને ઘટ્ટ કરીને બનાવવામાં આવતી હોય છે. તેથી દૂધમાં જે સ્વાસ્થ્યવર્ધક ગુણો સમાયેલાં છે તે બધાં જ બાસુંદીના સ્વાદમાંથી મળી રહે છે.
સામાન્ય રીતે તહેવાર, શુભ પ્રસંગે, તો અનેક વખત વર્ષગાંઠ કે રવિવારની રજાનો આનંદ માણવા મીઠીમધુરી બાસુંદી બનાવવામાં આવતી જ હોય છે. ભારતીય મીઠાઈઓની એક ખાસ ખૂબી એ છે કે તેને બનાવવા માટે ક્યારેય કોઈ ખાસ પ્રસંગની રાહ જોવાની આવશ્યક્તા પડતી જ નથી. કુટુંબના સભ્યોને મન થયું તો તે ઘરે બનાવવામાં આવે છે. તો ક્યારેક બહારથી તૈયાર લાવીને આસ્વાદ માણવામાં આવતો જ હોય છે.
ચાલો આજે બાસુંદીના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણી લઈએ
બાસુંદી દૂધને ઉકાળીને તૈયાર કરવામાં આવતી મીઠાઈ છે. સ્વાદમાં પૌષ્ટિક તથા લાજવાબ લાગે છે. બાસુંદીમાં ઈલાયચી, કેસર, જાયફળ, બદામ-પિસ્તા, જાવંત્રી વગેરે ખાસ ઉમેરવામાં આવે છે. બાસુંદીને ઠંડી કરીને ખાવામાં આવે છે. તો અનેક લોકો ગરમાગરમ બાસુંદીનો સ્વાદ માણવાનું પસંદ કરતાં હોય છે. અનેક લોકો થાળીમાં પીરસાતા બાસુંદીનો વાટકો પહેલાં હાથમાં લેવાનું પસંદ કરે છે. તો અનેક લોકો બાસુંદીની મીઠાશ ભોજનના અંતમાં માણવાનું પસંદ કરતાં હોય છે.
પાચન શક્તિ મજબૂત બનાવે :
બાસુંદીમાં ઈલાયચી પાઉડર-જાયફળ-સૂકોમેવો ખાસ ભેળવવામાં આવે છે. વળી બાસુંદીમાં અનેક વખત સ્વાદ વધારવા માટે વિવિધ ફળ જેમ કે પાઈનેપલ, સીતાફળ, કેરી, સફરજન વગેરેનો માવો બનાવીને ભેળવવામાં આવે છે. જે સ્વાદ વધારવાની સાથે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. વિવિધ ફળનો ઉપયોગ આહારમાં કરવાથી પાચનક્રિયા સરળ બને છે. તેનું મુખ્ય કારણ ફળમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય
હાડકાં મજબૂત બનાવે છે
બાસુંદી દૂધને ઘટ્ટ ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. જેથી તેનો સ્વાદ મલાઈથી ભરપૂર મીઠોમધુરો લાગે છે. બાસુંદી ખાવાથી હાડકાં મજબૂત બને છે. દૂધમાંથી બનતી બાસુંદીમાં કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં અત્યંત લાભકારક ગણાય છે. સાંધાના દુખાવાથી બચી શકાય છે. કેલ્શિયમનો સમાવેશ સારી માત્રામાં હોવાથી હાડકાં વય વધતાં બરડ બનતાં અટકે છે.
માનસિક તાણ ઘટાડવામાં મદદરૂપ :
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે મીઠી વસ્તુ ખાવાથી વ્યક્તિનું મન-મસ્તિષ્ક તાજગી અનુભવે છે. જેને કારણે માનસિક તાણ ઘટે છે. વૈજ્ઞાનિક રીતે મંજૂર થયું છે કે વ્યક્તિ જો તાણ અનુભવતો હોય ત્યારે તેને ગળપણ ખવડાવવાથી તેનું મગજ શાંત બને છે. તાણ પેદા કરતાં વિચારો ઘટી જાય છે. વિચારોમાં બદલાવ વધતાં સ્વને આનંદિત બનાવે છે. જે વ્યક્તિ માનસિક તાણનો અનુભવ કરતી હોય તેણે ઠંડી બાસુંદીનો આસ્વાદ માણવો જેથી શાંતિ અનુભવાય. અકારણ વ્યસનની લતને બદલે બાસુંદી જેવી સાત્ત્વિક મીઠાઈનો ઉપયોગ આરોગ્યની તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી ગણાય છે.
વજન વધારવામાં મદદરૂપ
અનેક વ્યક્તિનો બાંધો એવો હોય છે કે તેઓની પ્રકૃતિ અલગ હોય છે. ભરપેટ ભોજન નિયમિત ખાધા બાદ તેમનું વજન વધતું નથી. વજન ન વધવાને કારણે અનેક વખત તેઓ સંકોચ અનુભવતા હોય છે. વજન વધારવા ઈચ્છતી વ્યક્તિ માટે બાસુંદી શ્રેષ્ઠ વિક્લ્પ ગણાય છે. બાસુંદીનું સેવન કરવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષક ગુણો મળી રહે છે. પ્રોટીનની માત્રા જળવાય છે. શરીરને માટે સારી ગણાય તેવી ચરબી બાસુંદીનું સેવન કરવાથી મળી રહે છે. આથી આવી વ્યક્તિ માટે બાસુંદીનો આહારમાં સમાવેશ ફાયદાકારક બને છે.
ત્વચા માટે ગુણકારી
સદાબહાર યુવાની જાળવી રાખવાની ઈચ્છા છે. તેમને માટે બાસુંદીનો આહારમાં પ્રમાણભાન રાખીને કરવામાં આવતો સમાવેશ ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ છે બાસુંદીમાં ત્વચાને તંદુરસ્ત બનાવે તેવા વિટામિન તથા મિનરલ્સની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરે છે. જેમ કે કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન ડી.
બાસુંદી બનાવવાની યોગ્ય રીત:
સામગ્રી :૨ લિટર મલાઈદાર દૂધ, ૨૫૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી બદામ-પિસ્તાની કતરણ, ૭-૮ કેસરના તાંતણાં, ૧ ચમચી એલચી-જાયફળનો પાઉડર, ૨ મોટી ચમચી મિલ્કમૅડ,જાડા તળિયા વાળી કડાઈ.
રીત: સૌ પ્રથમ દૂધને જાડી કડાઈમાં ઉકાળવા મૂકવું. ઉકળીને અડધું બની જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી. દૂધમાં એલચી-જાયફળ પાઉડર ભેળવવો. કેસરને હૂંફાળા દૂધમાં પલાળીને રાખ્યા બાદ ભેળવવી. બદામ-પિસ્તાની કતરણ ભેળવવી. મિલ્કમૅડ ભેળવીને બરાબર હલાવી લેવું. ઠંડી થાય એટલે સ્વાદિષ્ટ બાસુંદીનો ઉપયોગ કરવો.
બાસુંદીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં નાના રસગુલ્લાં ભેળવી શકાય. અંજીરનો માવો બનાવીને અંજીર બાસુંદી બનાવી શકાય. સીતાફળનો માવો ભેળવીને સીતાફળ બાસુંદી બનાવી શકાય છે. તાજા નાળિયેરની બાસુંદી બનાવી શકાય છે. બાસુંદીને જલેબી સાથે, માલપુઆ સાથે તથા ગુલાબજાંબુ સાથે માણી શકાય છે.