કેરોલિના રીપર પ્રકરણ-૬૦
પ્રફુલ શાહ
હવે સામેવાળા અપમાન કરવા માંડયા હતા, ધમકી ય આપવા લાગ્યા હતા
રાજાબાબુએ ફરમાન બહાર પાડયું: હું સંપૂર્ણ સાજો થઇને ઑફિસે ન જાઉં ત્યાં સુધી દીપક કે રોમાએ ઑફિસમાં પગ મૂકવાનો નથી
ડાઇનિંગ ટેબલ પર રાજાબાબુ મહાજનનો મૂડ બહુ ખરાબ હતો. કોઇને સમજાયું નહીં કે સવારના પહોરમાં શું થઇ ગયું. એમની સામેની ડિશમાં જે કંઇ હતું. એને ઢાંકી રખાયું હતું. કદાચ બીજા આવે ત્યાં સુધી વાનગી ઠરી ન જાય એવું હોઇ શકે. માલતી, મમતા અને કિરણ આવી ગયાં. બધા રાજાબાબુને જોઇ રહ્યાં. કંઇ બોલ્યા વગર થોડીવારમાં દીપક અને રોમા આવ્યા એટલે રાજાબાબુએ નજર ઊંચી કરી. દીપક જ્યુસનો ગ્લાસ ઉપાડવા ગયો, ત્યાં રાજાબાબુએ રોક્યો. “પહેલા આ ડિશની વાનગીનો વારો.
બધાને નવાઇ લાગી. દીપક બાઘાની જેમ આગળ ગયો. ઉપરનું ઢાંકેલું વાસણ હટાવ્યું તો ડિશમાં કવર દેખાયું રાજાબાબુએ વેધક નજરે એની સામે જોઇને પૂછયું: “ઓળખે છે આ કવરને? દીપકે કવર ઉપાડીને જોયું. એને લાગ્યું કે આ ક્યાંક રામરાવ અંધારેને આપેલું કવર તો નથી ને? એ જ સમયે એના ધ્યાનમાં એક ભૂલ આવી, રોમાએ મૂર્ખાઇથી એક લાખ રૂપિયા મહાજન મસાલાના કવરમાં જ મૂકીને પોતાને આપ્યા હતા.
દીપક ડિશમાં કવર મૂકીને ચૂપચાપ પોતાની જગ્યાએ જઇને બેસી ગયો. રાજાબાબુ સૌના પર નજર ફેરવીને ફરમાન બહાર પાડયું. “હું એકદમ સાજો થઇને ઑફિસે પાછો ન જાઉં ત્યાં સુધી દીપક કે રોમાએ ઑફિસમાં પગ મૂકવાનો નથી.
માલતી એકદમ અકળાઇ ગઇ, “પણ એ તો કહો કે થયું છે શું?
“આ આપણા કુળદીપક રામરાવ અંધારેને લાખ રૂપિયા આપી આવ્યાં. કામ શું કરાવવા માગતા હતા એ ખબર છે કિરણ વહુ પર નજર રાખવાનું.
બધા એકદમ સ્તબંધ થઇ ગયા. રાજાબાબુ નિસાસો નાખીને બોલ્યા. “કાશ. એકાદવાર દીપક આકાશની પૂછપરછ માટે અંધારેને ફોન કર્યો હોત… પણ ના એને તો કંપની પર કબજો જમાવવાની ઉતાવળ છે. આપણા હરીફો સાથે મળીને પ્રોજેક્ટ કરવા છે…
રોમા અધવચ્ચે બોલવા ગઇ.”પણ… પપ્પા…
“હજી મારી વાત પૂરી થઇ નથી. હવે ફાઇનલ વાત કરી દઉં કે તમારે બન્નેએ હમણાં ઑફિસ જવાનું નથી.
આટલું બોલીને, રાજાબાબુએ ચમચીમાં ઉપમા લઇને ખાવા માંડયા. જાણે કંઇ બન્યું જ ન હોય. દીપક અને રોમા ઊભા થઇને જતાં રહ્યાં.
૦૦૦
દિલ્હીના મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્મા એકદમ ઉઘાડા પડી ગયા. એમને હાર્ટ-એટેક આવ્યો. એટેક બહુ ગંભીર નહોતો. પણ મોવડીમંડળે ફરજ પાડીને રાજીનામુું લખાવી લીધું. ‘હાલ નાદુરસ્ત તબિયતને લીધે મારા માટે જવાબદારી સંભાળવાનું શકય નથી. આ ઉપરાંત મારી સામે થયેલા આક્ષેપોની તટસ્થ તપાસ થાય એ માટે પણ હું હટી જઇને એક ઉચ્ચ પરંપરા સ્થાપિત કરવા માગું છું.
દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચાવા માંડયું કે સુંદરલાલ વર્માના દિવસો કયારના ગણાતા હતા. પણ માત્ર યોગ્ય તકની રાહ જોવાતી હતી. ‘ખબરે પલ પલ’ના માલિક રજત મીરચંદાની સાથેના વીડિયોએ એ તક પૂરી પાડી દીધી.
અલબત્ત, મોટાભાગનાને ન સમજાયું કે સુંદરલાલ વર્માની વિકેટ કોણે લીધી? રાજ કિશોરની આટલી બધી પહોંચ નહીં. પાવર બ્રોકર આદિત્ય સકલેચા જરૂર અને હેસિયતથી મોટો ખેલ પાડી ગયો એવું માનનારા ઘણા હતા. તેણે કોઇક કેન્દ્રીય નેતાને ઇશારે આ ઓપરેશન પાર પાડયાની ચર્ચા થવા માંડી.
૦૦૦
એટીએસના પરમવીર બત્રાએ ટેબલ પર આખા રાયગઢ જિલ્લાનો મોટો નકશો મૂકયો હતો. સામે અમુક સિનિયર અને જૂનિયર સાથીદાર બેઠા હતા. તેમણે ત્રણ-ત્રણ જણાની બી ટીમ બનાવી. નકશામાં રાજાપુરી પર આંગળી મૂકીને બત્રા બોલ્યા, “તમે બે અલગ ટીમમાં આખું રાજાપુરી અને એને અડીને આવેલાં ગામોમાં ફરી વળો. તમારો મેઇન શિકાર છે સોલોમન એને શોધવામાં આંખ, કાન અને નાક ખુલ્લા રાખજો. કયાંક પવલો અને પ્રસાદ રાવ પણ મળી જાય.
રાજાપુરીમાં સોલોમન કયાં રહેતો હતો, કોને મળતો હતો અને શું કરતો હતો એ ખાસ પૂછપરછ કરતા રહેજો. આ ઉપરાંત કોઇ મદરેસા, મસ્જિદ, મૌલવી, શાયર કે મુસ્લિમ વિસ્તારમાં તોપચી અબ્દુલ હબીદુલ્લા ‘ગુલાબ’ વિશે ય શકય એટલી માહિતી ખોદી કાઢો. ઓલ ધ બેસ્ટ ઓકે જી?
આ બધાને રવાના કરીને બત્રાએ કોઇને ફોન કર્યો, “અમે નીકળીશું થોડીવારમાં તમે ત્યાં જ મળજો.
પછી બીજો ફોન કર્યો, “તમે તૈયાર રહેજો. હું નીકળ્યો જ સમજો.
અને પરમવીર બત્રા ઑફિસમાંથી નીકળ્યા ત્યારે ચાલમાં ગજબનાક જુસ્સો હતો. આજે કોઇકનું આવી ન બને તો જ નવાઇ.
૦૦૦
આસિફ પટેલનો ક્યાંય અતોપતો નહોતો. બાદશાહની પરેશાની સતત વધતી જતી હતી. એક મોબાઇલ ફોન પર બહાના આપી આપીને એ થાકી ગયો હતો. હવે સામેવાળા અપમાન કરવા માંડયા હતા. ધમકી ય આપવા લાગ્યા હતા. બાદશાહ બરાબર જાણતો હતો. આ લોકો ખૂબ મોટા અને ખોટા માણસો હતા. એમની પાસે દુનિયામાં કોઇ પણ ખૂણે કંઇ પણ કરાવવાની તાકાત હતી. એમની સાથે પંગો ન જ લઇ શકાય. બધુ સાંગોપાંગ સરસ ચાલતું હતું પણ મુરુડની હોટલમાં બૉમ્બ બ્લાસ્ટ્સથી આખી વ્યવસ્થા ખોરવાઇ ગઇ. કાશ, બે-ત્રણ મહિના બધું બરાબર ચાલતું રહ્યું હોત તો પોતાનું બહુ જૂનું સપનું મિશન પૂરું થઇ ગયું હોત.
આ ઉપાધિ ઓછી હોય એમ આસિફ શેઠ ગાયબ થઇ ગયા. એ છ દેશના કોઇ વેપારીએ આસિફ શેઠને ઊંચકી તો નહીં લીધા હોય ને! કદાચ પતાવી નાખ્યા હોય તો પણ નવાઇ નહીં, પરંતુ આસિફ શેઠ લાપતા હોવાની ફરિયાદ કરવા પોલીસ પાસે જવાય એમ નથી. એમાં વધુ મોટી આફત આવી પડે.
ત્યાં જ બાદશાહના ફોનમાં એસ.એમ.એસ. આવ્યો, જેમાં લખ્યું હતું. ‘૧૨૧૨’ પછી રાઇટની નિશાની કરી હતી અને બાદશાહને સૂઝયું નહીં કે શું જવાબ આપવો. પણ પછી સમજાયું કે જવાબ તો આપવાનો જ નહોતો. હવે એકદમ કામે લાગી જવાનું હતું.
ત્યાં જ રૂમના ઇન્ટરકોમ ફોનની ઘંટડી વાગી. બાદશાહે ફોન ઉપાડયો તો રિસેપ્સનિસ્ટે માહિતી આપી. “સર, આપને મળવા પોલીસવાળા ઉપર આવી રહ્યાં છે.
બાદશાહે માથું ફૂટયું, “આ ગ્રહણ ટાણે સાપ નીકળ્યો? પણ તરત દરવાજો ખોલીને બહાર નીકળીને એ ઊંધી દિશામાં ચાલવા માંડયો.
૦૦૦
નાનવેલ ગામમાં થોડા આડાઅવળા રસ્તે આ ગામ શ્રીવર્ધનથી જઇ શકાય. સૌથી નાનો રૂટ એટલે મુરુડથી બોટમાં વાયા દીધી થઇને જવાનો. નાનવેલ ગામથી પગપાળા જવામાં વચ્ચે ખેતર આવે, કાચા રસ્તા આવે અને ચડાણ પણ આવે. પછી પર્વતની ટોચ પર પહોંચાય જયાં નાનવેલ દીવાદાંડી છે. એના પર મરાઠીમાં પાટિયું દેખાય. નાનવેલ દીપગૃહ ઝંઝિરા કિલ્લા: રાતે દરિયામાં દૂરદૂરથી આ દીવાદાંડીનો પ્રકાશ દર ૧૫ સેંકડે ત્રણવાર ઝબૂક ઝબૂક થાય. આને લીધે વરસોથી જહાજો અને માછીમારોના હોડકાને થતા અકસ્માતો હવે બંધ થઇ ગયા છે.
માત્ર આટલો અલ્પ પરિચય જાણીને નાનવેલ દીવાદાંડી જોનારાનું આવું બને. અહીં જવાનો રસ્તો એકદમ કાચો છે, મુશ્કેલ છે. સશક્ત શરીરવાળો જ પગપાળા જઇ શકે. કાર કે બાઇકવાળાના હાડકાં ખખડી જાય. આ ઐતિહાસિક દીવાદાંડી મુરુડના મૂળ સિદી શાસકોએ બંધાવી હતી. ત્રણ માળ જેટલી ઊંચાઇ ધરાવતી દીવાદાંડીની ઇમારતમાં મોડેમોડેથી વીજળીની વ્યવસ્થા કરાઇ હતી, પરંતુ દરિયાના મોજા અને ભારે પવનના તોફાનને લીધે ઘણીવાર વીજળી હોલાઇ જાય. આ માટે સોલાર પેનલ પણ ગોઠવવામાં આવી છે.
આ દીવાદાંડીથી થોડે દૂર દરિયામાં છત્રપતિ શિવાજી મહારાજે બંધાવેલો પદ્મપુર કિલ્લો પણ દેખાય છે.
આ દીવાદાંડીને લીધે નાનવેલ ગામ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, પરંતુ આ દીવાદાંડીની અંદર જવાનો, જોવાનો સમય માત્ર સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચેનો છે. લાંબું ચાલવાનું અને મુશ્કેલ રસ્તો એટલે મોટેભાગે અહીં યુવાન પર્યટકો આવે.
પરંતુ એ દિવસે બપોરે બાર વાગ્યાના સુમારે નાનવેલમાં પાંચ જણાની પધરામણી થઇ. એક જણે માથે ટોપી, મોઢામાં પર કોરોના-કાળનું માસ્ક અને ગોગલ્સ પહેર્યાં હતાં. ટ્રેકિંગ સૂટ પર ટી-શર્ટ અને ઉપર બંડી. બીજા પર્યટકે સુરભી-શોર્ટસ પર રંગબેરંગી ફૂલની ડિઝાઇનવાળો શોર્ટ શર્ટ પહેર્યો હતો. માથે કેપ અને ગોલ્ડન ગ્લાસવાળા ગોગલ્સ ત્રીજો પર્યટક તો વધુ વિચિત્ર લાગતો હતો. એ ભરવાડ આ બધા સાથે કેવી રીતે હોઇ શકે એવો સવાલ ઘણાંને થાય. એક યુવતી ટાઇટ જીન્સ ઉપર ટીશર્ટ અને એના પર શાલ ઓઢીને આવી હતી. એના અસ્તવ્યસ્ત વાળ કદાચ એને જ ફાવતા નહોતાં. પાંચમો પર્યટક શરૂઆતથી જ ફાંદ સાચવીને હાંફતો હતો.
આ પાંચેયના વેશ વર્તણૂક અને હળવે અવાજે થતી વાતો પરથી શંકા જાય કે આ ખરેખર પર્યટકો હતા ખરા? (ક્રમશ:)