ડિસેમ્બરથી મુંબઈના દરિયામાં દોડાવાશે ઈલેક્ટ્રિક વોટર ટેક્સી
મુંબઈ: મુંબઈના દરિયામાં ફરી ઈલેક્ટ્રિક વોટર ટેક્સી દોડતી જોવા મળશે, જે આગામી મહિને એટ્લે કે ડિસેમ્બરમાં મુંબઈ અને એમએમઆરના સાત રુટમાં ઈલેક્ટ્રિક વોટર ટેક્સીની સુવિધાનો લાભ પર્યટકો લઈ શકશે. આ વોટર ટેક્સીમાં 24 જેટલા પ્રવાસી મુસાફરી કરી શકે છે. સૂચિત કરેલી કંપનીઓને વોટર ટેક્સીને મુંબઈની સાથે એલિફન્ટા, નેરુલ, કરંજ, રેવાસ, વાશી, જેએનપીટી, ઐરોલીના બેલાપુર ખાતે ચલાવવાની પરવાનગી આપી છે. ઈલેક્ટ્રિક ટેક્સીને કારણે દરિયામાં પ્રદૂષણ ઘટવાની સાથે ઓપરેટરના પૈસાની પણ બચત થશે એવો દાવો કરવામાં આવ્યો છે.
ટેક્સી કંપનીએ આપેલી માહિતી મુજબ આ ટેક્સી એક વખત ફુલ ચાર્જ કરવામાં આવ્યા બાદ આશરે ચાર કલાક સુધી પાણીમાં ચલાવી શકાશે, જ્યારે તેની સામે ડીઝલથી ચાલતી વોટર ટેક્સી એક કલાકમાં લગભગ 140 લિટર ડીઝલનો ઉપયોગ કરે છે.
ઓપરેટિંગનો ખર્ચ બચાવવા માટે કંપનીએ દરેક ઇલેક્ટ્રિક ટેક્સી પાછળ 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. આ વોટર ટેક્સીનું ટ્રાયલ હાલમાં ગોવામાં અને કોચીમાં ચાલી રહ્યું છે. આ ટેક્સી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
આગામી મહિને ટ્રાયલ રન પૂરું થયા બાદ આ ટેક્સીની સેવાઓ મુંબઈમાં પણ શરૂ કરવામાં આવશે. હાલમાં બેલાપુરથી એલિફન્ટા, માંડવા અને અલીબાગ વચ્ચે વોટર ટેક્સીની સેવાઓ શરૂ છે. મુંબઈ-બેલાપુર માર્ગ પર એક વખત ટેક્સી દરિયામાં રહેલા પથ્થરથી ભટકાઈ જતાં આ માર્ગ પર વોટર ટેક્સીની સેવાઓ બંધ કરવામાં આવી હતી. પણ હવે મુંબઈ-બેલાપુર વોટર ટેક્સી ફરી શરૂ થવાની આશા કંપનીને છે.
આ માર્ગ પર વોટર ટેક્સી સેવા ફરી શરૂ કરવા માટે ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલની પરવાનગી મળી ગઈ છે અને હવે ફક્ત ગેટ વે ઓફ ઈન્ડિયાની પરવાનગી મળતા ફરી એક વખત પર્યટકો આ સેવાનો લાભ લઈ શકશે એવી આશા વોટર ટેક્સીના સંચાલકે વ્યક્ત કરી હતી.
ડીઝલ વડે ચાલતા જહાજોને લીધે સમુદ્રમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જેથી મુંબઈ પોર્ટ ટ્રસ્ટની ઈલેક્ટ્રિક બોટને શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જો જહાજોને વીજળી વડે ચલાવવામાં આવે તો તેના મેન્ટેનન્સનો ખર્ચ 40 થી 50 ટકા જેટલો ઘટી શકે છે. જહાજ પર કરવામાં આવતો ખર્ચ ઘટવાથી મુસાફરીનું ભાડું પણ સસ્તું થવાની શક્યતા છે. આવી માહિતી મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધિકારીએ આપી હતી.