લખનઉમાં ખાનગી બેંકમાં લાગી ભીષણ આગ: પચાસ ફસાયા

લખનઉ: રાજધાની લખનઉમાં 20 નવેમ્બરના રોજ સાંજે હઝરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નોવેલ્ટી સિનેમા પાછળ આવેલી કેનરા બેંકમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદવું પડ્યું હતું. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે તરત જ પહોંચી ગઇ હતી પરંતુ બેંકની અંદર હજુ પણ 50 લોકો ફસાયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવાની સાથે સાથે કર્મચારીઓને બચાવવાની કામગીરી પણ કરી રહી છે.
કેનરા બેંકમાં આગ લાગવાના કારણે નવલકિશોર રોડ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. બેંકની અંદરથી પણ કર્મચારીઓ બૂમો પાડી રહ્યા હતા અને તેમનો આવાજ બહાર ઊભેલા લોકો સુધી આવતો હતો આથી ત્યાં એકઠી થયેલી ભીડમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં લગભગ 50 લોકો બેંકની અંદર ફસાયેલા છે. ફાયર બ્રિગેડની ટીમ બિલ્ડિંગના કાચ તોડીને લોકોને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે.
કેનેરા બેંકની આ શાખા ઓફિસ બિલ્ડિંગના પહેલા માળે આવેલી છે ત્યારે બેંક બંધ થયા બાદ કર્મચારીઓ પોતપોતાની કામગીરી પૂરી કરવામાં વ્યસ્ત હતા તે વખતે અચાનક જ બેંકમાં ધુમાડાના ગોટા ઉડવા લાગ્યા કોઇ કંઇ સમજે તે પહેલા જ ત્યાં હાજર કર્મચારીઓનો શ્ર્વાસ રુંધાવા લાગ્યો અને થોડી જ વારમાં આગની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. કર્મચારીઓ બિલ્ડિંગના કાચ તોડીને ગેલેરીમાંથી દૂર જવા લાગ્યા હતા. તેમજ ઘણા કર્મચારીઓ રોડ પર કૂદી પણ પડ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા એડીસીપીએ જણાવ્યું હતું કે નવલકિશોર રોડ પર સ્થિત કેનરા બેંકમાં આગની માહિતી મળી તરત જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવવા માટે કવાયત શરૂ કરી દીધી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર બ્રિગેડની ટીમ તેની તપાસ કરી રહી છે.
બેંકમાંથી સલામત રીતે બહાર આવેલા એક કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેંકનો આખો માળ ધુમાડાથી ભરાઈ ગયો હતો. અમે ઓફિસના પાછળના ભાગમાં કામ કરતા હતા. ધુમાડાના ગોટેગોટા જોઈ તેઓ આગળના ભાગે દોડી ગયા અને ત્યાંથી કાચ તોડીને બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે અમને બચાવી લીધા હતા. અંદર હાજર તમામ લોકોને પાછળના એક્ઝિટ દ્વારા ફાયર બ્રિગેડની ટીમે સલામત રીતે બહાર કાઢ્યા હતા.