મહારાષ્ટ્રમાં જુગાર અને વ્હિસ્કી મુદ્દે રાજકીય ધમાલ, સોશિયલ મીડિયા પર છેડાયું ‘વર્ડ-વોર’
મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ઊથલ પાથલ ચાલી રહી છે. રાજકારણીઓ એકબીજા પર દોષારોપણ કરવાનો એક પણ મોકો છોડતા નથી. બે વિરોધી પક્ષો વચ્ચે રોજે રોજ રાજકીય મુદ્દાઓને લઇને હોબાળો ચાલતો જ રહે છે પરંતુ હવે તો એવી સ્થિતી થઇ ગઇ છે કે મુદ્દો કોઇપણ હોય પરંતુ તેને રાજકીય સ્વરૂપ આપીને ઉછાળવામાં આવે છે. અને એવી જ રીતે હવે આ રાજકીય લડાઈ જુગાર અને વ્હીસ્કી સુધી પહોંચી ગઈ છે.
ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ સોશિયલ મીડિયા પર એકબીજા વિરુદ્ધ ફોટા શેર કરી રહ્યા છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કર્યા બાદ હવે રાજકારણમાં એક નવો હોબાળો શરૂ થયો છે. જેના પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેનો કેસિનોની અંદરનો કથિત ફોટો તેમને પોસ્ટ કર્યો છે. ભાજપે પણ રાઉતને રોકડું પરખાવવામાં વાર ના લગાડી અને આદિત્ય ઠાકરે ગ્લાસમાં કંઈક પીતા હતા તેનો ફોટો પોસ્ટ કર્યો હતો. ભાજપે એમ પણ પૂછ્યું હતું કે વ્હીસ્કી કઈ બ્રાન્ડની છે? તેમજ ભાજપે કહ્યું હતું કે અમારા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ તેમના જીવનમાં ક્યારેય જુગાર રમ્યો જ નથી.
આ વિવાદ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષે પણ સ્પષ્તા કરી હતી. ચંદ્રશેખર બાવનકુળેએ ફેસબુક પર પરિવાર સાથેનો ફોટો ટેગ કરીને સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે આ તે હોટેલનું પરિસર છે જ્યાં હું મારા પરિવાર સાથે મકાઉમાં રોકાયો હતો. તેમજ હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર રેસ્ટોરન્ટ અને કેસિનો બંને છે. અને હું ડિનર કરીને જ્યારે મારા પરિવાર સાથે બેઠો હતો ત્યારે કોઇએ આ ફોટો પાડી લીધો છે.