આ મુસ્લિમ દેશમાં ઈસ્લામિક પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી નથી, જાણો કેમ?
બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે દેશની સૌથી મોટી ઈસ્લામિક પાર્ટી બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીની 2013ના ચૂકાદાને બદલવાની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે જણઆવ્યું હતું કે બિનસાંપ્રદાયિકતાની બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘનને કારણે આ પાર્ટીને ચૂંટણી લડવા દેવામાં નહી આવે. હાઇ કોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યોની બેન્ચે યથાવત રાખ્યો હતો. તેમજ ચૂંટણી પંચની વિનંતી પર કોર્ટે પાર્ટીનું રજિસ્ટ્રેશન રદ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
નોંઘનીય છે કે બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીએ 1971માં પાકિસ્તાન સામે ચાલતી દેશની આઝાદીની લડાઈનો વિરોધ કર્યો હતો. જેના કારણે 2013માં પાર્ટી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી અને કોર્ટેએ અરજીનો સ્વીકાર કરતા પક્ષને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન નરસંહાર અને યુદ્ધ અપરાધો માટે પક્ષને જવાબદાર ઠેરવ્યો હતો. અને કેટલાક નેતાઓને ફાંસીની સજા અને આજીવન કેદની સજા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ એક મુસ્લિમ દેશ છે પરંતુ કાયદાકીય માળખું બિનસાંપ્રદાયિકતા પર આધારિત છે. અને આથી જ જમાત-એ-ઇસ્લામી જેવી પાર્ટીઓને કટ્ટરવાદી ગણવામાં આવે છે. પાર્ટી પર પ્રતિબંધની માગણી કરનારા પક્ષો પણ પોતાને બિનસાંપ્રદાયિક ગણાવે છે અને જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધની માગણી કરી રહ્યા છે, નોંધનીય છે કે અમેરિકા બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીને મધ્યમ ઇસ્લામિક પાર્ટી માને છે.
બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી પાર્ટી ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના નેતૃત્વ હેઠળની વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સાથે હંમેશા જોડાયેલી રહી છે. બાંગ્લાદેશમાં આવતા વર્ષે 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે.