પાકિસ્તાનની ચૂંટણીમાં આતંકવાદીની એન્ટ્રી…
ઈસ્લામાબાદ: લો બોલો હવે પાકિસ્તાનમાં આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદે વર્ષ 2024માં યોજાનારી પાકિસ્તાનની ચૂંટણી લડશે. તલ્હા સઈદે ચૂંટણીની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે. જો કે ખાસ બાબત એ છે કે તલ્હા સઈદને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરેલો છે. તલ્હા સઈદે તેની પાર્ટીનું નામઅલ્લાહ-હુ-અકબર તહરીક રાખ્યું છે.
પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં કુખ્યાત આતંકવાદી અને પાકિસ્તાનની જેલમાં બંધ હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે ચૂંટણી લડશે પરંતુ હાલમાં હાફિઝ સઈદ જેલમાં હોવા છતાં તેની પાસે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની કમાન છે. તેમજ તલ્હાનું નામ પણ ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ છે. તે ઘણા લાંબા સમયથી આતંકી સંગઠન માટે ફંડ એકઠું કરવાનું કામ પણ કરી રહ્યો છે. નોંધનીય છે કે તલ્હા સઈદ પહેલીવાર ચૂંટણી લડી રહ્યો નથી. અગાઉ 2018માં તેના પિતાના વતન સરગોધાથી ચૂંટણી લડ્યો હતો. જેમાં તલ્હા સઈદનો 11000 મતોથી પરાજય થયો હતો.
તલ્હાએ પાકિસ્તાનના ચૂંટણી પંચને આપેલી માહિતી મુજબ તેનું નામ તલ્હા સઈદ ઉર્ફે હાફિઝ તલ્હા સઈદ છે. ભારતે તલ્હા પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરવાનો અને ભારતમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હોવાનો આરોપ હતો. અગાઉ પણ તેનો એક સહયોગી 2012માં અમેરિકામાં પણ પકડાયો હતો, જેમાં પુરાવા રૂપે તેની વાતચીતની ટેપ મળી હતી જેમાં તેણે આતંકવાદી ગતિવિધિઓ વિશે વાત કરી હતી.
તલ્હા સઈદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો હતો પરંતુ ચીને તેને આતંકવાદી જાહેર કરવાની ના પાડી હતી. ચીનના કારણે તલ્હાને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી શકાયો ન હતો. તલ્હા સઈદ 2005થી આતંકવાદી સંગઠનમાં સક્રીય બન્યો છે અને ત્યારથી તે ભારત અને અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યો છે.