
નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક, સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત બીજા સત્રમાં પીછેહઠ જોવા મળી હોવા છતાં સ્મોલ કેપ શેરોમાં કરંટ જોવા મળ્યો હતો અને એકંદરે મિડકેપ અને સ્મોલકેપ શેરોની કામગીરી સારી રહી છે, જે રોકાણકારોના સ્થાનિક બજારમાં રહેલા વિશ્ર્વાસને પ્રદર્શિત કરે છે.
નિફ્ટી ઇન્ડેક્સ અને સેન્સેક્સ બંનેમાં પીછેહઠ જોવા મળી છે, જોકે નાના શેરમાં લેવાલી અને સુધારો જોવા મળ્યો છે. સવારના સત્રથી જ લાર્જ કેપમાં પીછેહઠ ચાલુ થઇ ગઇ હોવા છતાં સ્મોલકેપ્સ અને મિડકેપ્સ શેરોમાં લેવાલી જળવાઇ હતી અને આ બંને શેરઆંકોએ સોમવારે બેન્ચમાર્ક કરતાં સારી કામગારીનું પ્રદર્શન કર્યું હતું.
સવારના સત્રમાં જ ઉપરોક્ત બંને ઇન્ડેક્સ ૦.૪ ટકા વધ્યા હતા. સત્રને અંતે સેન્સેક્સ ૦.૨૧ ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ ૦.૧૯ ટકા ઘટ્યો હતો. જ્યારે તેની સામે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૦.૩૯ ટકાનો સુધારો રહ્યો હતો.
અલબત્ત બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં માત્ર ૦.૦૬ ટકાનો ઘસરકો હતો જોકે, નિફ્ટી મિડકેપ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૧૧ ટકા વધ્યો હતો. બીએસઇ મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ ૦.૪૩ ટકા વધ્યો હતો.
આ તો સોમવારના સત્રની વાત થઇ પરંતુ માસિક ધોરણે જોઇએ તો બીએસઇના સ્મોલ કેપ અને મિડકેપ શેરઆંક ચાલુ મહિને અનુક્રમે નવ ટકા અને સાત ટકા જેટલા ઉપર છે, જ્યારે નિફ્ટી અને સેન્સેક્સમાં તેની સામે ત્રણેક ટકાનો વધારો જોવા મળ્યો છે.
બજારના સાધનો જણાવે છે કે, હાઈ નેટવર્થ રોકાણકારો, રિટેલ અને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સ્મોલ અને મિડ-કેપ્સમાં સતત ખરીદી થઈ રહી છે અને તેને કારણે આ શેરોમાં આગેકૂચ ચાલું રહી છે. આ ઉપરાંત આ ટ્રેન્ડ રોકાણકારોનો સ્થાનિક બજારોમાં વિશ્ર્વાસ દર્શાવે છે.