નેશનલ

ચાલુ મેચમાં મેદાનમાં ઘૂસી જનાર પેલેસ્ટાઇન સમર્થકને આતંકવાદી પન્નુ આપશે 10,000 ડોલર

નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની આગેવાની હેઠળ ચાલતા પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોન્સનને 10,000 યુએસ ડોલર ઈનામમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. વેન જોન્સને અમદાવાદમાં યોજાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન ‘પેલેસ્ટાઇન પર બોમ્બમારો બંધ કરો’ લખાણ દર્શાવતી ટી-શર્ટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વેન જોન્સન કોર્ડન તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને તેણે પાછળથી પકડી લીધો હતો. આ અંગે ભારતની ગુપ્તચર સંસ્થા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ અને તેના સંગઠનની આ એક ગંદી યુક્તિ હતી.

સૂત્રોએ કહ્યું હતું કે, “આ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા રચિત ષડયંત્ર છે. ગુરપતવંત સિંહ હાલમાં કેનેડામાં રહે છે અને ભારતમાં તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે બતાવવા માંગે છે કે તેણે જ આ બધું કરાવ્યું છે. તે પહેલા પણ આવા દાવા કરી ચૂક્યો છે. જો કે, અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ મેચ દરમિયાન બનેલી ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી. ગુરપતવંત સિંહ અને તેમની સંસ્થા આવા દાવા કરે છે, પરંતુ તેમને ક્યારેય લોકોની મદદ કે સમર્થન મળતા નથી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો નાગરિક વેન જોન્સન સુરક્ષાનો ભંગ કરીને મેદાનમાં પ્રવેશી ગયો હતો. તેણે ‘સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન’ લખેલું ટી-શર્ટ પહેરેલું હતું. વેને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને ગળે લગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા હતા અને વેનને પકડીને ચાંદખેડા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં વેન જોન્સને કહ્યું હતું કે આવું કરવા પાછળનો તેનો હેતુ કોહલીને મળવાનો અને પેલેસ્ટાઈન પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરવાનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button