અમદાવાદ: ભારતીય ટીમ ગઈ કાલે ફરી એક વખત વર્લ્ડ ચેમ્પિયશિપની નજીક જઈને તેને મેળવવામાં ચૂકી ગઈ હતી. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના આ પર્ફોર્મન્સથી લોકો એટલે પણ નિરાશ થયા છે કે ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પર્ફોર્મન્સ ખૂબ જ દમદાર રહ્યું હતું. સતત 10 મેચ જિતીને ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી અને ફાઈનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ગઈકાલની આ ફાઈનલ મેચ જોવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા ટીમ ઈન્ડિયાના પરાજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા ખેલાડીઓને સાંત્વના આપવા માટે. દરમિયાન ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ડ્રેસિંગ રૂમમાં આવેલા જોઈને મોહમ્મદ શમી પોતાના આંસુ રોકી શક્યો નહોતો અને પીએમ મોદીએ તેને ગળે લગાવતાં જ શમી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.
શમીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેને ગળે લગાવી રહ્યા છે અને તે એમને ગળે મળીને રડી પડ્યો હતો. ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં શમીએ પીએમ મોદીનો ડ્રેસિંગ રૂમમાં આવીને ખેલાડીઓને સાંત્વના આપવા બદ્દલ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપની શરૂઆતની મેચમાં શમીને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું નહોતું. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા બાદ શમીને તક મળી અને તેણે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને શાનદાર રીતે રમ્યો હતો. શમીએ આ ટૂર્નામેન્ટમાં કુલ સાત મેચ રમી અને 24 વિકેટ લેવામાં સફળ રહ્યો. આ સાથે તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ વર્લ્ડકપમાં તેણે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને એની સાથે શમી વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
આ ઉપરાંત શમી વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ બોલર પણ બન્યો હતો. ગઈકાલની ફાઈનલ મેચમાં પણ શમીએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી અને ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. પરંતુ ત્યાર બાદ તેનો જાદુ ચાલ્યો નહીં અને ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમના સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પણ પીએમ મોદી સાથેનો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જાડેજાએ પીએમ સાથેની મુલાકાતનો ફોટો પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો છે અને ફોટોની કેપ્શનમાં જાડેજાએ એવું લખ્યું છે કે ટીમ ઈન્ડિયાની ટૂર્નામેન્ટ શાનદાર રહી પરંતુ ટીમ ફાઇનલમાં સારો દેખાવ કરી શકી નહીં. આગળ પોતાની પોસ્ટમાં જાડેજાએ લખ્યું હતું કે ફાઈનલમાં થયેલાં પરાજયથી આખી ટીમ નિરાશ થઈ ગઈ હતી અને એવી પરિસ્થિતિમાં પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને ટીમના ખેલાડીઓને મળ્યા, જે ખૂબ જ મનોબળ વધારનારી બાબત સાબિત થઈ હતી.