ઉત્સવ

જે આ દિવ્ય પાશુપતવ્રતનું પાલન કરશે

તે પશુત્વથી મુક્ત થઇ જશે

શિવ રહસ્ય

ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
લાંબી સ્તૂતિ કર્યા બાદ પણ ભગવાન શિવ પોતાના તપમાંથી બહાર આવ્યા નહીં. સમસ્ત દેવગણ અત્યંત વ્યાકુળ અને દુ:ખી થઈ ગયા હોવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કહ્યું: ભગવાન શ્રી હરિ વિષ્ણુ: હે દેવતાગણો દુ:ખી શા માટે થાઓ છો? તમારે પોતાના બધાં જ દુ:ખોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. દેવગણોની આરાધના નિષ્ફળ નહીં જાય, ઇષ્ટદેવને પ્રસન્ન કરવા હોય તો આરાધનાને ઉચ્ચ સ્તરે લઈ જવી જરૂરી છે.


મહદ્ આરાધનામાં પહેલા મહાન કષ્ટ વેઠવું પડે છે, પછી ભક્તની દૃઢતા જોઈને ઇષ્ટદેવ અવશ્ય પ્રસન્ન થાય છે. ભગવાન શિવ તો ભોળાનાથ છે તેઓ તુરંત પ્રસન્ન થઈ જાય છે, દેવગણે તેમની આરાધના કરવી જરૂરી છે. તેથી પહેલા ‘ૐ’ નું ઉચ્ચારણ કરીને પછી ‘નમ’નો પ્રયોગ કરવો પછી ‘શિવાય’ કહીને બે વાર ’શુભમ’નું ઉચ્ચારણ કરો. એ પછી બે વાર ‘કુરુ’નો પ્રયોગ કરીને પછી ‘શિવાય નમ’ ‘ૐ’ જોડી દો. (આવું કરવાથી ‘ૐ નમ શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ’ મંત્ર બને છે.) હે દેવતાગણો તમે લોકો આ મંત્રના પુન: એક કરોડ જપ કરશો તો ભગવાન શિવ અવશ્ય પ્રસન્ન થશે અને તમને વરદાન આપશે.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુની સલાહ મળતાં જ દેવગણો આરાધનાને ઉચ્ચ સ્તરે લઈ જવા મક્કમ થયાં.
અગ્નિદેવ: ‘ભગવાન શ્રીહરિ વિષ્ણુની સલાહ હંમેશા દેવગણોના ઉત્કર્ષ માટે જ હોય છે, તેમના માર્ગદર્શનમાં જ આપણે આગળ વધવું જોઈએ.’


એજ સમયે ત્યાં બ્રહ્મદેવ દેવી સરસ્વતી સાથે ત્યાં પધારે છે. બ્રહ્મદેવ: ‘દેવગણોને હું કંઈ કહેવા માંગતો નથી, દેવગણોના ઉત્કર્ષ કાજે ભગવાન શ્રીહરિ વિષ્ણુએ બધું જ કહી દીધું છે, તેમનું માર્ગદર્શનને શિરોમાન્ય કરી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ.’


બ્રહ્મદેવની પણ સલાહ મળતાં જ બધા દેવતાઓ પુન: શિવ આરાધનામાં લાગી ગયા. ત્યારપછી શ્રીહરિ વિષ્ણુ પણ દેવો તથા મુનિઓના કાર્યોની સિદ્ધિને માટે શિવમાં મન લગાવીને વિધિપૂર્વક જપમાં લીન થઈ ગયા. સંપૂર્ણ દેવગણ અને મુનિઓએ સમગ્ર સૃષ્ટિને પોતાના ‘ૐ નમ શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ’ના જાપથી શિવમય બનાવી દીધી. દરેક જગ્યાએથી આ જ ધ્વનિ સ્ફૂરવા માંડી.


દેવગણ દ્વારા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડ જાપ થતાં એ ધ્વનિ ભગવાન શિવ સુધી પહોંચી તેમના જાપને ભંગ કરવા સક્ષણ થઈ. ભગવાન શિવ પોતાના જાપમાં મન લગાવી શકતા નહોતા. તેમણે જોયું કે સમગ્ર દેવગણ, બ્રહ્મદેવ સહિત ભગવાન શ્રીહરિ વિષ્ણુ પર આ જાપમાં લીન છે. ભગવાન શિવ ‘ૐ નમ શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ’ના જાપથી પ્રસન્ન થયા અને સ્વયં સાક્ષાત શિવ પૂર્વોક્ત સ્વરૂપણ ધારણ કરીને પ્રગટ થયા.

ભગવાન શિવ: ‘હે બ્રહ્મન! હે દેવગણો, હે શ્રીહરિ વિષ્ણુ, હે દેવી સરસ્વતી તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિઓ હું તમારા આ જપથી પ્રસન્ન થઈ ગયો છું, માટે હવે તમે લોકો તમારું મનોવાંછિત વરદાન માગી લો.’


ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘હે દેવાધિદેવ હે કલ્યાણર્તા શિવશંભુ, જો આપ દેવગણો પર પ્રસન્ન થયા હોવ તો દેવોની વિકલતાનો વિચાર કરીને શીઘ્ર જ ત્રિપુરનો સંહાર કરી દો. હે શિવ આપ તો દીનબંધુ છો, કૃપાની ખાણ ચો, આપે જે સદાયે દેવતાઓની વારંવાર આપત્તિઓથી રક્ષા સરી છે માટે આ સમયે પણ આપ તેમની રક્ષા કરો.’
આ સાંભળી શિવજી મનોમન પ્રસન્ન થયા અને કહ્યું


ભગવાન શિવ: હે જગદીશ્ર્વર હવે ત્રિપુર નષ્ટ થયું જ સમજો. તમે લોકો આદરપૂર્વક મારી વાત સાંભળો. મેં પહેલાં જે દિવ્ય રથ, સારથિ, ધનુષ અને ઉત્તમ બાણોનો અંગીકાર કર્યો છે, એ બધું જ શીઘ્ર તૈયાર કરો. હે વિષ્ણુ તમે સૃષ્ટિના પાલન કાર્યમાં નિપૂણ છો તમારી પ્રેરણાથી દેવગણો મને પ્રસન્ન કરી શકયા, તેમના દ્વારા મહાન પુણ્ય મને પ્રસન્ન કરનારો આ શ્ર્લોક મૃત્યુલોકમાં તેમની આધિ-વ્યાધિ-કષ્ટોને દૂર કરનારો હશે. કળિયુગમાં આ શ્ર્લોકનો જે પાઠ કરશે તેની મનોકામના પૂર્ણ થશે. હે દેવશ્રેષ્ઠો પશુભાવ પ્રાપ્ત થવા છતાં પણ તમારા લોકોનું પતન થશે નહીં.


હું એ પશુભાવથી વિમુક્ત થવાનો ઉપાય બતાવું છું એ સાંભળો. સમાહિત મનવાળા દેવતાઓ હું તમારા લોકો સામે સાચ્ચી પ્રતિજ્ઞા કરું છું કે જે આ દિવ્ય પાશુપતવ્રતનું પાલન કરશે તે પશુત્વથી મુક્ત થઇ જશે. હે સુરશ્રેષ્ઠો! તમારા સિવાય જે અન્ય પ્રાણી પણ મારું પશુપત-વ્રત કરશે એ પણ નિસંદેહ પશુત્વથી છૂટી જશે. જે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં બાર વર્ષ, છ વર્ષ અથવા ત્રણ વર્ષ મારી સેવા કરશે અથવા કરાવશે તે પશુત્વથી વિમુક્ત થઈ જશે. એટલા માટે હે દેવતાઓ તમે લોકો પણ આ પરમોત્કૃષ્ટ દિવ્ય વ્રતનું પાલન કરશો તો એ જ સમયે પશુત્વથી મુક્ત થઈ જશો એમાં કશો જ સંશય નથી.’

સંપૂર્ણ ઋષિ-મુનિઓ, દેવતાઓ ભગવાન શિવનો જયજયકાર કરવા લાગ્યા. ઈન્દ્ર, બ્રહ્માજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ વગેરે દેવો ભગવાન શિવની આગળ ચાલવા માંડયા. આકાશચારી ચારણ પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. ત્રિપુર વધ કરવા આગળ વધતા શિવજી સાથે સમગ્ર દેવગણો હર્ષોલ્લિત થઈ ગયા. ત્યારબાદ ભગવાન શિવ એ ત્રણે પુરોને બાળી દેવા તૈયાર થયા.(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…