નેશનલ

એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ લીધો કંઇક આવો લોહિયાળ બદલો…..

પટનાઃ ઉત્તર પ્રદેશ અને બિહારમાં છઠ્ઠ પૂજાના સમાપનના સમયે શોકજનક સમાચાર આવ્યા છે. બિહારના લખીસરાયમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવામાં આડે આવતા અને વિઘ્ન ઊભું કરતા છોકરીના પરિવારના સભ્યો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ગર્લફ્રેન્ડ સહિત બે જણનું મૃત્યુ થયું હતું અને પરિવારના અન્ય ચાર સભ્ય ઘાયલ થયા હતા. પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ લખીસરાયનો પંજાબી મહોલ્લો અચાનક ફાયરિંગથી ગુંજી ઉઠ્યો હતો. અહીં એક પાગલ પ્રેમીએ યુવતીના પરિવારના સભ્યો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી જે તેને તેની સાથે લગ્ન કરવામાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. કહેવાય છે કે યુવતીનો પરિવાર છઠ વ્રત પૂર્ણ કરીને ઘાટ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે આરોપીએ તેમના પર ધડાધડ ગોળીબાર કર્યો હતો.
ફાયરિંગ કરનાર આરોપીનું નામ આશિષ ચૌધરી છે. આશિષ ચૌધરી તેના ઘરની સામે રહેતી યુવતી સાથે ત્રણ વર્ષથી એકતરફી પ્રેમમાં હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ યુવતીનો પરિવાર તેની વિરુદ્ધ હતો. આનાથી ગુસ્સામાં આવીને યુવકે યુવતીના પરિવાર પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન વચ્ચે આવેલી તેની ગર્લફ્રેન્ડની પણ તેણે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત આરોપીએ પરિવારના અન્ય સભ્યોની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિવારના એક સભ્યને માથામાં ગોળી વાગી હતી. જેના કારણે તેનું પણ મોત થયું હતું. હાલમાં યુવતીના પરિવારના ચાર લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટનાની માહિતી આપતા અહીંના એસપીએ જણાવ્યું હતું કે પંજાબી મોહલ્લામાં એક જ પરિવારના 6 લોકોને ગોળી મારી દેવામાં આવી છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને પટના પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે. એક ઘાયલ વ્યક્તિની અહીં સારવાર ચાલી રહી છે. આ ઘટના પરસ્પર તકરાર અને છેડતીના કારણે બની હતી. આરોપી આશિષને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button