કુર્લામાં મેટ્રો સાઇટ પર સુટકેસમાં મળ્યો મહિલાનો મૃતદેહ: પોલીસે તપાસ હાથ ધરી
મુંબઇ: મુંબઇના કુર્લા વિસ્તારમાં રવિવારે રાત્રે એક સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કુર્લાના મેટ્રો સાઇટ પાસે એક સુટકેસ મળી આવી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જ્યારે પોલીસે સુટકેસ ખોલી ત્યારે તેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાની ઓળખ હજી સુધી થઇ શકી નથી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારે 19 નવેમ્બરના રોજ કુર્લા પોલીસ સ્ટેશનમાં એક શંકાસ્પદ સુટકેસ મળી આવી હોવાનો ફોન આવ્યો હતો. સી.એસ.ટી રોડ પર શાંતીનગરની સામેની બાજુએ મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં બેરીકેટની અંદરની બાજુએ એક શંકાસ્પદ સુટકેસ મળી હતી. આ સુટકેસ ટેક કરતાં તેની અંદર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સુટકેસમાં મૃતદેહ હોવાથી હત્યા થઇ હશે એ વાત સ્પષ્ટ થઇ રહી છે.
આ મહિલાની ઉંમર અંદાજે 35 થી 40 વર્ષ હોવાનું કહેવાઇ રહ્યું છે. મહિલાએ ટી શર્ટ અને નાઇટ પેન્ટ પહેરી હતી. આ અંગે કુર્લા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હજી સુધી મહિલાની ઓળખ થઇ શકી નથી. મુંબઇ પોલીસે મુંબઇ તથા આસપાસના વિસ્તારમાં કોઇ પણ મહિલા ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે કે તે અંગેની પણ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યાં છે. મહિલાના ફોટોના માધ્યમથી તેથી ઓળખ થાય તેવા પ્રયાસો પોલીસ કરી રહી છે.