શિયાળામાં આ વસ્તુનું કરો સેવન અને રહો તાજામાજા
શિયાળો સેહત બનાવવાની પણ ઋતુ છે. એક તો ઠંડીનો માહોલ હોય એટલે ભૂખ વધારે લાગે, શિયાળામાં તમામ શાકભાજી સાથેની વસ્તુઓ સારી મળે એટલે ઘરે સારી વાનગીઓ પણ બને અને ઠંડીના લીધે તીખાં અને તેલવાળા પદાર્થો ખાવાની પણ મજા આવે. જોકે આ ઋતુમાં પણ બીમાર પડવાની એટલી જ શક્યતાઓ હોય છે ત્યારે અમે તેમને એક એવી વસ્તુ સૂચવીયે છીએ જેનું સેવન તમને શરદી ઉધરસ, તાવ, અનિદ્રા, મોટાપણાની તકલીફોથી બચાવશે અને હૃદયની બીમારીથી પણ રક્ષણ આપશે. આ વસ્તુ છે મધ. મધ ખૂબ જ ગુણકારી છે, પણ તમને જણાવી દઈએ કે બજારમાં સારી કંપનીના મધ પણ નક્લી આવે છે અને તેમાં ખાંડ હોય છે, જે વધારે નુકસાનકારક સાબિત થાય છે. આથી ખેડૂતો પાસેથી શુદ્ધ મધ મેળવી તે બાદ જ આ પ્રયોગ કરવો.
મધનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને સારી ઊંઘ આપે છે. દિવસે કે રાત્રે બે ચમચી મધ પાણીમાં નાખી પી જાઓ, તણાવ દૂર થશે અને ઉંઘ આવશે. બીજો ફાયદો ચરબી ઘટાડવામાં છે. મધ પીવાથી ચરબી પર નિયંત્રણ રહે છે. શિયાળામાં ઘણાને હીમોગ્લોબિન ઓછું થવાની સમસ્યા નડે છે. મધ હીમોગ્લોબીન વધારવાનો ઘણો સારો સ્ત્રોત છે. આથી મધનું સેવન ઘણું ફાયદાકારક છે. મધ એન્ટિઓક્સિડેન્ટ છે. એટલે કે શરીરનો બગાડ કાઢી નાખે છે. આથી પેટની તકલીફો રહેતી નથી.
મધ સરવાળે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઠીક કરે છે આથી શરીર સ્વસ્થ રહે છે અને મન પણ. જે હૃદયને પણ તાજુમાજું રાખે છે. તો રાહ શેની જૂઓ છો સારી ગુણવત્તાવાળું શુદ્ધ મધ લાવો ને રોજ પીવો. આ તો કોઈ કડવી દવા કે ઉકાળો પણ નથી. મધ સાથે થોડું લીંબુ નીચોવી પીવો તો સ્વાદનો સ્વાદ અને સ્વાસ્થ્યનું સ્વાસ્થ્ય.