પાકિસ્તાન પર નારાજ અમેરિકન સાંસદે કહ્યું કે સૈન્ય મદદ તાત્કાલિક ધોરણે…
અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે. યુએસ કોંગ્રેસના 11 સાંસદોએ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને પત્ર લખીને માગણી કરી છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવામાં ન આવે અને કાયમી સરકારની પુનઃસ્થાપના ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સૈન્ય સહાય બંધ કરવામાં આવે. પૂર્વ પીએમ ઈમરાન ખાનના નજીકના ગણાતા ઈલ્હાના ઉમર પણ પાકિસ્તાન સામે પ્રતિબંધની માંગ કરી રહેલા સાંસદોમાં સામેલ છે.
અમેરિકન ધારાશાસ્ત્રીઓએ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધના કડક કાયદા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં તેમણે પાકિસ્તાનમાં કેથોલિક ચર્ચ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાનમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાવાની શક્યતા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ પીએમ નવાઝ શરીફ પણ લંડનથી પાકિસ્તાન પહોંચી ગયા છે. ત્યારે ઈમરાન ખાન તોશાખાના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.
અમેરિકી ધારાશાસ્ત્રીઓએ કહ્યું હતું કે વિદેશી સહાયતા કાયદાની કલમ 502B હેઠળ વિદેશ વિભાગે તપાસ કરવી જોઈએ કે શું અમેરિકન સહાયનો દુરુપયોગ થઈ રહ્યો છે કે કેમ? આ સિવાય માનવાધિકાર ઉલ્લંઘનમાં આ મદદનો ઉપયોગ કેટલી હદે થાય છે. તે પણ તપાસ કરવી જોઇએ. ધારાશાસ્ત્રીઓએ અમેરિકાના લીહી કાનૂનનો ઉપયોગ કરવાની માંગ કરી છે.
લીહી એક્ટ વિદેશી સુરક્ષા દળો સાથે યુએસના સહયોગ પર નજર રાખે છે જેમાં તે તપાસ કરે છે કે તેમના દ્વારા આપવામાં આવતી સહાયનો ઉપયોગ યોગ્ય સ્થળે થાય છે કે પછી વિદેશી સૈનિકો તેનો ઉપયોગ ત્રાસ આપવા, સામૂહિક હત્યા, બળજબરી અને બળાત્કાર જેવા માનવાધિકાર ઉલ્લંઘન કરવા માટે કરી રહ્યાં છે. આથી તેમણે માગણી કરી હતી કે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ થવી જોઈએ જેથી તમામ પક્ષો તેમાં ભાગ લઇ શકે.