રાતોરાત ઘરબાર-મિલકત છોડીને પાકિસ્તાનમાંથી ભાગ્યા આ લોકો, જાણો શું છે કારણ?
હાજી મુબારક શિનવારી તેમના પાંચ પુત્રો અને બે ભાઈઓ સાથે 1982માં પાકિસ્તાન આવ્યા હતા. તેમણે સખત મહેનત કરી અને કાપડ, પરિવહન અને નાણાધિરાણ સહિતના વિવિધ વ્યવસાયોનું નેટવર્ક બનાવ્યું અને હવે કરાચીની બહાર આવેલા ‘અલ-આસિફ સ્ક્વેર’માં ઘણી મિલકતો ધરાવે છે. શિનવારી કહે છે, “અમે આટલા વર્ષોથી અહીં દસ્તાવેજો વિના રહીએ છીએ અને અમે સ્થાનિક લોકોની મદદથી અમારો બિઝનેસ સ્થાપિત કર્યો છે.”
પાકિસ્તાનમાં હાજી મુબારક શિનવારી એકમાત્ર એવા વ્યક્તિ નથી. કરાચી શહેરની ઉત્તરે માંડ થોડા કિલોમીટર દૂર ‘અલ-આસિફ સ્ક્વેર છે, જ્યાં અફઘાન લોકોની મોટી વસ્તી છે. નજીકમાં અફઘાન મજૂરો અને નાના વેપારીઓની બે મોટી વસાહતો છે. અલ-આસિફ સ્ક્વેર અને આ વસાહતોની મુલાકાત લેવાથી કોઇપણ વ્યક્તિને એવું લાગે છે કે જાણે તમે ‘મિની કાબુલ’માં છો, જ્યાં અફઘાન લોકો તેમની દુકાનો અને વિવિધ રેસ્ટોરાંમાં અફઘાન ભોજન પીરસે છે.
વર્ષ 1978માં સોવિયેત આક્રમણ બાદ શરણાર્થી તરીકે પાકિસ્તાનમાં આવેલા લોકો સહિત હજારો અફઘાની લોકોએ દાયકાઓ સુધી સિંધ પ્રાંતના કરાચી અને બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા સહિત પાકિસ્તાનના તમામ મોટા શહેરોમાં પોતાનો ધંધો જમાવ્યો હતો. કરાચીમાં અફઘાન વાણિજ્ય દૂતાવાસના કાયદાકીય સલાહકાર સાદીકુલ્લાહ કાકરે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં મોટાભાગના અફઘાન શરણાર્થીઓ નીચલા મધ્યમ વર્ગના છે. આથી, તેમની પાસે કોઈ લાયકાત કે વિશેષ શિક્ષણ પણ નથી.”
મૂળ ઘટના એ બની છે કે પાકિસ્તાન સરકારે સુરક્ષાના કારણોસર નિર્ણય લીધો છે કે અફઘાન લોકોને હવે દેશમાં રાખવામાં નહિ આવે. પાકિસ્તાન સરકારે પહેલા દસ્તાવેજ વગરના અફઘાનીઓને દેશનિકાલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર નક્કી કરી હતી જેના પર અમલ થતા હાલમાં હજારો અફઘાનિસ્તાનો વિસ્થાપિત થયા છે અને હવે, દસ્તાવેજો ધરાવતા લોકોને પણ 31 ડિસેમ્બર સુધીમાં દેશનિકાલ કરવામાં આવશે. સમયમર્યાદા પૂરી થઈ ત્યારથી 1,65,000થી વધુ અફઘાન લોકો પાકિસ્તાન છોડી ગયા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવો પડ્યો છે. સરકારનો આરોપ છે કે આમાંથી ઘણા અફઘાન લોકો ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
પાકિસ્તાન સરકારે તાલિબાન સરકાર પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને અન્ય આતંકવાદી જૂથોને પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા કરવા માટે અફઘાન જમીનનો ઉપયોગ કરતા રોકવામાં સહકાર નથી આપી રહી.
આ નિર્ણયને કારણે મુબારક જેવા સેંકડો અફઘાનોને નુકસાન થયું છે. પાકિસ્તાનમાં ઘણા વર્ષોથી રહેતા હજારો અફઘાન લોકોને તેમના વ્યવસાય અને મિલકતો છોડીને દેશનિકાલ થવાની ફરજ પડી રહી છે.
“આ અમારા માટે ખરાબ પરિસ્થિતિ છે,” તેમ મુબારકે કહ્યું હતું. પાકિસ્તાનની સરકારે રોકડ અને મિલકત પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનમાં સ્થાનાંતરિત કરવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે, તેથી મુબારક સમજી શકતા નથી કે તેઓ અફઘાનિસ્તાનમાં જાય ત્યારે પાકિસ્તાનમાં તેમની મહેનતથી કમાયેલી મિલકતોને કેવી રીતે સાચવશે. મુબારકે કહ્યું કે શરણાર્થીઓને વ્યક્તિ દીઠ પોતાની સાથે માત્ર 50,000 રૂપિયા રોકડમાં લેવાની છૂટ છે.
મોટાભાગના લોકો કે જેઓ તેમના વતન અફઘાનિસ્તાનમાં પાછા ફર્યા છે અથવા હજુ પાકિસ્તાન છોડવાની તૈયારી કરી રહ્યા છે તેઓ દાયકાઓથી બનાવેલા વ્યવસાયો અને ઘરોને ગુમાવવાની કઠોર વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના કાર્યવાહક વાણિજ્ય પ્રધાન હાજી નૂરુદ્દીન અઝીઝી ગયા અઠવાડિયે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન જલીલ અબ્બાસ જિલાની સાથે આ અંગે ચર્ચા કરવા મળ્યા હતા.
ક્વેટામાં 2 કરિયાણાની દુકાનના ધરાવતા રહેમત ખાનઝાદાએ કહ્યું હતું કે તેમને ડર છે કે તેમની બધી બચત હવે વેડફાઈ રહી છે. તેમણે કહ્યું, “આ એવી જ સ્થિતિ છે જે આપણે 1947માં વિભાજન સમયે જોઇ હતી. પાકિસ્તાન છોડીને ભારત જતા રહેલા અનેક હિંદુઓ, પારસીઓ અને મુસ્લિમોની મિલકતો અને વ્યવસાયો પર અન્ય લોકોએ કબજો કરી લીધો હતો. એવું જ અમારી મિલકતો સાથે પણ થશે.
પાકિસ્તાને કહ્યું છે કે તેણે દાયકાઓથી લગભગ 17 લાખ દસ્તાવેજ વગરના અફઘાન શરણાર્થીઓને આશ્રય આપ્યો છે, પરંતુ હવે તેમનો સમય પૂરો થઈ ગયો છે અને તેમણે તેમના વતન પાછા ફરવું પડશે. અફઘાન વાણિજ્ય દૂતાવાસના અધિકારીએ જણાવ્યું છે કે દસ્તાવેજ હોય કે ન હોય, બંને પ્રકારના અફઘાન નાગરિકોએ આ ગંભીર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.