અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટપ્રેમીઓમાં વર્લ્ડકપ-2023ની ફાઈનલમાં ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની મેચની જ ચર્ચા ચાલી રહી છે. પણ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અચાનક જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ટ્રેન્ડ કરવા લાગ્યા છે ફેન્સ દ્વારા એમને આપવામાં આવેલી વિચિત્ર સલાહને કારણે. આવો જોઈએ શું છે આ સલાહ અને બિગ બીએ એના પર પ્રતિક્રિયા આપતા શું કહ્યું હતું…
વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બિગ બીની એક પોસ્ટ વાઈરલ થઈ થઈ છે જેમાં તેમણે એવું લખ્યું હતું કે when I don’t watch, we Win… આ પોસ્ટ તેમણે ઈન્ડિયા વર્સીસ ન્યુ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના વિજય બાદ કરી હતી. આ જ પોસ્ટ પર હવે ફેન્સ તેમને આજે અમદાવાદ ખાતે ઑસ્ટ્રેલિયા ઈન્ડિયા વચ્ચે રમાનારી મેચ ન જોવાની સલાહ આપવાનું શરૂ કરી દીધું હતું. ફેન્સની આવી સુફિયાણી સલાહથી બિગ બી ખુદ ચોંકી ઉઠ્યા છે.
બુધવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં બી ટાઉનના અનેક સેલેબ્સ, ઉદ્યોગપતિ અને નામી હસ્તીઓએ હાજરી આપી હતી અને બિગ બી આ મેચ જોવાનું ચૂકી ગયા હતા. મેચમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ બિગ બીએ આ પોસ્ટ કરી હતી અને હવે તેના પર ફેન્સ દ્વારા કરવામાં આવી રહેલી કમેન્ટને કારણે ખુબ જ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ પર ફેન્સ જાતજાતની અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે તો એક અંધ માણસનો ફોટો શેર કરીને એવું લખ્યું હતું કે રવિવારના એક દિવસ માટે તમે પ્લીઝ આવા બની જજો. આ પોસ્ટની ઉપર બિગ બીએ એક બીજી રમૂજી પોસ્ટ એવી કરી હતી કે હવે વિચારી રહ્યો છું કે જાઉં કે ના જાઉં…
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે અને તેઓ અવારનવાર પોતાના રોજિંદા જીવનની નાની મોટી, સારી ખરાબ બધી અપડેટ્સ આપતા હોય છે. આ સિવાય વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી હાલમાં કૌન બનેગા કરોડપતિ ગેમ શો હોસ્ટ કરી રહ્યા છે અને દર્શકોમાં આ શો ખાસ્સો એવો લોકપ્રિય છે.