ન્યૂઝ ટેલિવિઝનમા મારું યોગદાન શું? એટલું જ કે ગામમાં મારી આબરું મેં ‘પિયક્કડ’ તરીકે મજબૂત કરી! : વિનોદ મહેતા
ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ
દિવસ કરતાં રાત્રે અને રાત કરતાં દિવસે વધતી જતી રાજકુમારીની વાર્તા તો તમે સાંભળી જ હશે. આજકાલ આપણા દેશમાં ટી.વી. મીડિયાની હાલત પેલી રાજકુમારી જેવી છે. વિશ્ર્વના કોઈપણ દેશ કરતા આપણે ત્યાં ન્યૂઝ ચેનલોની સંખ્યા (આ લખાય છે ત્યારે લગભગ ૩૯૭, જેમાં સ્થાનિક કેબલ ચેનલોનો સમાવેશ થતો નથી) અનેકગણી વધારે છે. આજથી લગભગ ૨૦-૨૨ વર્ષ પહેલાં ખાનગી ન્યૂઝ ચેનલોની શરૂઆત થઈ ત્યારે એમ મનાતું હતું કે, હવે દૈનિક અખબારો અને સામયિકોના દિવસો ભરાઈ ગયા. સામયિકો બાબતે આ ભવિષ્યવાણી કેટલેક અંશે સાચી પડી, પરંતુ દૈનિક અખબારોના વેચાણ પર ટી.વી. ન્યૂઝ ચેનલો ઝાઝો પ્રભાવ પાડી શકી નથી. ન્યૂઝ ચેનલોનો રાફડો ફાટ્યો પછી ચેનલ પર ચમકતા પત્રકારો-એન્કરો સામાન્ય જનમાં વધુ જાણીતા થયા એ હકીકત છે. પ્રિન્ટ મીડિયામાં વર્ષો સુધી ઓફિસમાં બેસીને કામ કરનારા કે ફિલ્ડમાં જઈને રિપોર્ટિંગ કરનારા પત્રકારો રિટાયર્ડ થઈ જાય ત્યાં સુધી કદાચ બાયલાઇન દ્વારા ઓળખ મેળવે, પરંતુ વાચકો ચહેરેથી ભાગ્યે જ એમને ઓળખતા હોય. ન્યૂઝ ચેનલો પર પ્રિન્ટ મીડિયાના કેટલાક પત્રકારોને ડિબેટમાં એક્સપર્ટ તરીકે વારંવાર બોલાવવામાં આવે ત્યારે એમની ઓળખ શક્ય બને અને એમાંથી કોઈકવાર કરુણ-રમૂજી કિસ્સાઓ પણ બનતા હોય છે.
રસગળે અને કટકા પડે એવું લોકભોગ્ય લખાણ લખવાના ‘કિંગ’ પત્રકાર-તંત્રી વિનોદ મહેતાના અવસાનને ચારથી વધુ વર્ષ થઈ ગયાં. ઘણા અંગ્રેજી દૈનિકો-સાપ્તાહિકોમાં વિનોદ મહેતાએ તંત્રી તરીકે કામ કર્યું હતું, પરંતુ કદી ટીવી ન્યૂઝ ચેનલમાં કામ કરવાની ઓફર સ્વીકારી નહોતી. આમ છતાં કોઈક અંગ્રેજી ચેનલ પર ડિબેટમાં નિષ્ણાત તરીકે ભાગ લેવા, તેઓ અવારનવાર જતા.
એક જગ્યાએ એમણે આ બાબતે મજેદાર લેખ લખ્યો હતો. એમણે કંઈક આ પ્રમાણે લખ્યું હતું : ‘એક મોટા ગજાના ટી.વી. એન્કર એમ માનતા હતા કે, પ્રિન્ટ માધ્યમના તંત્રીઓ હંમેશાં ટી.વી. પત્રકારોની ઇર્ષ્યા કરતા હોય છે. ટી.વી. પત્રકારોને સંડોવતું રાડિયા ટેપ કૌભાંડ બહાર આવ્યું ત્યારે મારા સામયિકે એ બાબતે કવર સ્ટોરી કરી હતી. પેલા એન્કરનું માનવું હતું કે, અમે બિનવ્યવસાયિક કામ કર્યું છે. એ એન્કર એમ માનતા હતા કે ટી.વી. મીડિયાના પત્રકારોને મળતી સેલિબ્રિટી પ્રકારની લોકપ્રિયતા અમારા જેવા પ્રિન્ટ મીડિયાના પત્રકારોથી સહન થતી નથી, એટલે રાડિયા ટેપમાં ફસાયેલા ટી.વી. પત્રકારોને મેં ઉઘાડા કર્યા હતા! ’
વિનોદ મહેતા કહેતા કે ૪૦ વર્ષથી તેઓ પ્રિન્ટ મીડિયામા તંત્રી છે છતાં એરપોર્ટ પર કોઈ અજાણી વ્યક્તિ એમને ભટકાઈ જાય ત્યારે કહેતી કે, ‘હું તમને ટી.વી. પર ઘણી વખત જોઉં છું. એ સિવાય તમે બીજું કામ શું કરો છો? ’ જોકે મહેતા હંમેશાં કહેતા કે ટી.વી. એન્કરની લોકપ્રિયતા ભલે ગમે તેટલી હોય, પોતે કદી પ્રિન્ટ મીડિયા છોડીને સંપૂર્ણ સમય ટી.વી. પર કામ કરવાની ઓફર સ્વીકારી શકે નહીં.
વિનોદ મહેતા ગજબના પત્રકાર હતા. જમણેરીઓના તેઓ ભારે ટીકાકાર હતા, પરંતુ એમની ટીકા કદી દ્વેષીલી કે ધિક્કારયુક્ત નહીં લાગે. ખૂબ જ નિખાલસતાથી તેઓ પોતાની જાતની ઓળખ ‘સ્યૂડો સેક્યુલર’ તરીકે આપતા. કોઈ એમને ગાંધી કુટુંબના ‘ચમચા’ કહે ત્યારે પણ ખૂબ જ હળવાશથી એ આખો કિસ્સો પણ એમની ‘ડાયરી’ કોલમમાં લખી નાખતા. એમનું લખાણ એટલું હળવુંફૂલ અને સરળ રહેતું કે, સામાન્ય અંગ્રેજીનું જ્ઞાન ધરાવનાર પણ એની પૂરતી મઝા લઈ શકતા. પત્રકાર તરીકે એમની ઇમેજ ભાજપવિરોધી અને કૉંગ્રેસ તરફી હોવા છતાં, ભાજપના ટોચના નેતાઓ સાથે પણ એમને દોસ્તી હતી. પોતાના શ્ર્વાનનું નામ એમણે ‘એડિટર’ રાખીને કદાચ દિલ્હીના બીજા તંત્રીઓનો રોષ પણ વહોરી લીધો હશે!
એક જમાનામાં સ્ત્રીઓની સંપૂર્ણ નગ્ન તસવીરો છાપવા માટે ‘કુખ્યાત’ ડેબોનેર માસિકના એડિટર તરીકે એમણે કામ કર્યું ત્યારે એમને ઓફિસમાં મળવા આવનાર પુરુષ મિત્રોની સંખ્યા શા માટે એકાએક વધી ગઈ એ વિશે એમણે એમની અદ્ભૂત શૈલીમાં લખ્યું હતું. જોકે તંત્રી તરીકેની કાબેલિયતથી એમણે સાહિત્ય અને સારી મુલાકાત વાંચવાના શોખીનોને પણ ‘ડેબોનેર’ વાંચતા કરી દીધા હતા. મહેતા જ્યારે ‘ડેબોનેર’ના તંત્રી હતા ત્યારે એમ કહેવાતું કે ‘હવે ડેબોનેરમાં ‘જોવા’ ઉપરાંત વાંચવા જેવું પણ આવે છે!’ ‘ધ સન્ડે ઓબઝર્વર’, ‘ધ પાયોનિયર’, ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’, ‘ધ ઇન્ડિયન પોસ્ટ’… જેવા સુંદર લેઆઉટ અને ટાઇટ એડિટિંગવાળાં અખબારો એમણે શરૂ કર્યાં અને બંધ પણ કર્યાં. માલિકો સાથે એમને હંમેશાં બારમો ચન્દ્ર રહેતો. છેવટે ‘આઉટલૂક’ સાપ્તાહિકમાં એમણે લાંબો સમય કામ કર્યું.
વિનોદ મહેતા પોતાની ઇમેજની ઝાઝી પરવા કરતા નહીં. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ પર તેઓ રાત્રીના સમયે અઠવાડિયામાં કેટલાક દિવસો ગેસ્ટ તરીકે આવતા. બિન્ધાસ્ત રીતે તેઓ વ્હિસ્કીનો ગ્લાસ લઈને લાઇવ ડિબેટમાં બેસતા અને ચુસકી લેતા જતા.
એમના વિરોધીઓ ત્યાર પછી સોશ્યલ મીડિયા પર એમના માટે ‘ડ્રન્કાર્ડ (પિયક્કડ) વિનોદ’ શબ્દ વાપરીને એમની ઘણી ટીકા કરી, પરંતુ મહેતા કદી ‘સુધર્યા’ નહીં! ઊલટાનું એમણે એમના પુસ્તક ‘એડિટર અનપ્લગ્ડ’માં લખેલું : ‘ન્યૂઝ ટેલિવિઝનમાં મારું યોગદાન શું? મારુ માનવું છે કે કદાચ જો મારું યોગદાન, હોય તો એટલું જ કે ગામમાં મારી આબરુ મેં ‘પિયક્કડ’ તરીકે મજબૂત કરી! ભારતીય ન્યૂઝ ટેલિવિઝનના ઇતિહાસમાં હું પહેલો વ્યક્તિ હતો જે ટેલિવિઝનના કેમેરા સામે બેસીને વ્હિસ્કી કે વાઇન પીવાનું ચાલુ કરેલું! ટેલિવિઝનની ડિબેટમાં મારે ભાગે બોલવાનું ભાગ્યે જ આવતું એટલે રવિશંકર પ્રસાદ અને અભિષેક મનુ સિંધવી જ્યારે એકબીજા પર બરાડા પાડતા હોય ત્યારે હું શાંતિથી મારી સિંગલ મોલ્ટ વ્હિસ્કીની ચુસકી લઈ શકતો. સારી ટેવ ચેપી હોય છે. મને જોઈને ત્યાર પછી મનીષ તિવારી, ચંદન મિત્રા, મણિશંકર ઐયર, સ્વપ્નદાસ ગુપ્તા, રામ જેઠમલાણી, મેઘનાદ દેસાઈ પણ પ્રાઇમ ટાઇમ ટેલિવિઝન ડિબેટમાં બોટલ સાથે બેસતા થયા. હું ઇચ્છું કે આ યાદી લાંબી થાય!
વિનોદ મહેતા જેવા તંત્રી-પત્રકારની વાત નીકળે એટલે સ્વાભાવિકપણે કેટલાકને એમની તુલના ખુશવંતસિંહ સાથે કરવાની ઇચ્છા થાય. જોકે ઘણાનું માનવું છે કે અખબાર-મેગેઝિનને એડિટ કરવા કે વધુ વાચક ભોગ્ય બનાવવાની આવડત બાબતે વિનોદ મહેતા વધુ માકર્સ લઈ જાય.
સાહિત્યિક કે ક્રિયેટિવ લખાણ બાબતે ખુશવંતસિંહ ઘણા આગળ કહેવાય તો કટારલેખનની કળામાં બંનેને સરખા ગુણ મળે. કોઈકે ઓફ ધ રેકર્ડ કહેલી અંગત વાત, કોઈપણ શરમ વગર લખી નાખવા બાબતે વિનોદ મહેતા અને ખુશવંતસિંહ સરખા જ ‘નાલાયક’ ગણી શકાય.
ખુશવંતસિંહ કારકિર્દીની ટોચ પર હતા ત્યારે તો ખાનગી ટીવી ન્યૂઝ મીડિયા હતું જ નહીં, પરંતુ પ્રિન્ટ મીડિયાની એ ખુશનસીબી કે મહેતા અને સિંહે કદી ટીવી ન્યૂઝ મીડિયાને પોતાની કારકિર્દી બનાવવાનો વિચાર કર્યો નહીં. નહીં તો આપણને ખબર કઈ રીતે પડતે કે ખુશવંતસિંહે કઈ કઈ હાઇસોસાયટી સ્ત્રી સાથે પલંગ શેર કર્યો છે કે એક ફ્રેન્ચ ગણિકાને પેટે જન્મેલી, વિનોદ મહેતાની પુત્રી વિશ્ર્વમાં કોઈ ઠેકાણે છે જેને મહેતા શોધી શક્યા નહોતા?