રાજપૂત એકતાની શક્યતાથી જ ઔરંગઝેબનો ગભરાટ વધી ગયો
વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ
(૧૯)
એક તરફ મહારાણા રાજસિંહ શાંતિ અને અન્યાયી જજિયા-વેરણી નાબૂદી ઈચ્છતા હતા પણ જીદ્દી- ધર્માંધ ઔરંગઝેબના મનમાં લોહિયાળ વિચારો ઊભરાતા હતા.
એટલે મોગલ સેનાએ પુષ્કર પર આક્રમણ કરી દીધું. એના પગારદાર ઈતિહાસકારોએ
લખ્યું કે પુષ્કર યુદ્ધમાં જહાંપનાહનો ભવ્ય વિજય થયો. આ દાવો સરાસર જુઠ્ઠો હોવાના તર્ક અને વિગતો ઈતિહાસમાં જ ઉપલબ્ધ છે.
જો પુષ્કરના યુદ્ધમાં બાદશાહે મોકલેલો અજમેરનો ફોજદાર તહબરખાન જીત્યો હતો,
તો પછી મેવાડ સાથે લડાઈ કરવા ખુદ ઔરંગઝેબે શા માટે આવવું પડ્યું? એ ટેકનીકલી વખતે તો મેવાડમાં કોઈ રાજા નહોતા. તો એ કામ તહબરખાન પણ આસાનીથી કરી શક્યો હોત.
એ સિવાય હજી મેવાડાના રાઠોડોએ મોગલ રાજની પિદુડી કાઢવાની શરૂઆત નહોતી કરી કે ઉશ્કેરાઈને ઔરંગઝેબે યુદ્ધ પર ધ્યાન આપવું પડે. ગરબડ છે, ચોક્કસ ગરબડ છે મોગલ પુરસ્કૃત ઈતિહાસમાં.
મોગલ ઈતિહાસમાં ઉપલબ્ધ આવો એકાદ ભ્રમસર્જક દાવો જોઈએ. બાદશાહ બહાદુરશાહના શાસન વખતે જોધપુરના મહારાજા અજિતસિંહ અને આમેરના રાજા જયસિંહે મળીને મોગલ સેનાને બરાબરની રગદોળી નાખી હતી.
હાલત એટલી ગંભીર થઈ ગઈ હતી કે સમ ખાવા પૂરતો એકેય મોગલ સેનાપતિ જીવતો બચ્યો નહોતો. મોગલ સેના પૂંછડી દબાવીને જીવ બચાવવા માટે પલાયન થઈ ગઈ હતી.
પુષ્કરના યુદ્ધની હકીકત પણ ‘મોગલ ઈતિહાસ’થી એકદમ વિપરીત હતી. અજમેરમાં તહબરખાનને આંચકાજનક માહિતી મળી કે જોધપુરથી બાદશાહના અમલદારોને રાઠોડો ભગાવી રહ્યા છે અને ત્યાં કબજો જમાવી લીધો છે.
એટલે ઔરંગઝેબને વહાલો થવા માટે જોધપુર પર ફરી કબજો જમાવવા એ નીકળી પડ્યો.
ત્યારે રસ્તામાં પુષ્કરમાં મોગલ છાવણીને જ લૂંટી લેવાઈ. હવે આ લૂંટ કમ યુદ્ધમાં જો એ જીત્યો હોત તો ચોક્કસ જોધપુર તરફ આગેકૂચ કરી હોત. પરંતુ એવુું નહોતું થયું એટલે ચિંતા- રોષમાં ઔરંગઝેબે મારવાડ ભણી ગાબડું દીકરા અકબરને મુલ્તાનથી તાત્કાલિક બોલાવી લીધો.
આમાં વધુ એક હકીકતે ઓરંગઝેબની ઊંઘ હરામ કરી નાખી. જાજિયા વેરાનોે ઉગ્ર
વિરોધ કરનારા રાજસિંહે જ બાળકુંવર અજિતસિંહને આશરો આપ્યાનું એનાથી સહન ન થયું. કુટિલ ઔરંગઝેબ સમજી ગયો કે જો સમયસર અંકુશમાં નહિ લેવાય તો બધા રાજપૂતો મોગલો વિરુધ્ધ એક થઈ જશે, જે બહુ ભારે પડી શકે.
એક તરફ બાળકુંવર અજિતસિંહ આ રાજસિંહના શરણમાં. એ અજિતસિંહના મામા ખંડેલાના રાજા બહાદુરસિંહ તો મોગલો સામે સંઘર્ષમાં રહેવાના શોખીન હતા.
આ બધા એક થાય એ અગાઉ મહારાણા રાજસિંહના સંભવિત સાથીઓને પોતાના પગની એડી તળે લાવી દેવાના મન્સુબા સાથે ઔરંગઝેબે અકબર ઉપરાંત બીજા પુત્ર આઝમને બંગાળથી બોલાવી લીધો.
આટલું જ નહિ ત્રીજો દીકરો મોઅજજમને દખ્ખણથી બોલાવી લીધો. ઔરંગઝેબના મનમાં રાજપૂતો માટે કેટલો બધો ફફડાટ હતો એ આનાથી સ્પષ્ટ થતું નથી?
આ ઉપરાંત ગુજરાતના સુબા મોહમ્મદ અમીનને બોલાવ્યો. તો ઈલાહાબાદના સુબેદાર હિમ્મત ખાનને ઝડપભેર અજમેર માટે રવાના કરાવ્યો.
આટલી વ્યવસ્થા બાદ ઈ. સ. ૧૬૭૯ની ત્રીજી સપ્ટેમ્બરે વિશાળ સેના અને શસ્ત્ર
સરંજામ અને દારૂગોળા સાથે ખુદ ઔરંગઝેબ દિલ્હીથી રાજસ્થાન ભણીની કૂચ શરૂ કરી.
એ વખતે પોતાની તાકાત પર મુશ્તાક ઔરંગઝેબને સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે રાઠોડો એનું કેવું ‘ભવ્ય’ અને ‘ભાવભર્યું’ સ્વાગત કરવાના છે. (ક્રમશ:)