કોમેડી ફિલ્મ ‘ખિચડી 2’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દરમિયાન, ‘ખિચડી 2’ના પ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા છે. સલમાન ખાનની ‘ટાઈગર 3’ની બ્લોકબસ્ટર કમાણી વચ્ચે પણ ‘ખિચડી 2’એ સારું કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે 1.10 કરોડની કમાણી કરી હતી.
પારેખ પરિવાર વર્ષોથી લોકોને હસાવવા માટે જાણીતો છે. હવે 13 વર્ષ બાદ પારેખ પરિવાર લોકોને હસાવવા માટે સિનેમા ઘરમાં આવ્યો છે. ખિચડી-2′ ફિલ્મ મર્યાદિત સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે, તેમ છતાં પણ તેણે ઘણો સારો દેખાવ કર્યો છે. ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ‘ખિચડી 2’નું બોક્સ ઑફિસનું પહેલા દિવસનું પ્રદર્શન શ્રેષ્ઠ કહેવાય.
ઘણા સમયથી ફિલ્મ ‘ખિચડી 2’ને લઈને લોકોમાં ચર્ચા ચાલી રહી હતી અને હવે તે રિલીઝ થતાની સાથે જ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. લોકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. ‘ખિચડી 2 – મિશન પંથુકિસ્તાન’ની પહેલા દિવસની કમાણી પરથી અંદાજ લગાવી શકાય છે કે આવનારા દિવસોમાં ફિલ્મ વધુ સારી કમાણી કરશે.
નિર્દેશક આતિશ કાપડિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર પહેલા જ લોકોના દિલ જીતી ચુક્યું છે. ફિલ્મ ‘ખિચડી’નો પહેલો ભાગ 2010માં રિલીઝ થયો હતો. હવે તેનો બીજો ભાગ 17 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થયો છે. ફિલ્મને લઈને દર્શકોનો પ્રતિભાવ સકારાત્મક છે. ફિલ્મે પહેલા દિવસે એક કરોડથી વધુની કમાણી કરી હતી.
રાજીવ મહેતા પ્રફુલ અને અંગદ દેસાઈ બાબુજીના રોલમાં જોવા મળ્યા હતા. વંદના પાઠક જયશ્રીના રોલમાં અને કીર્તિ કુલહારી પરમિંદરના રોલમાં જોવા મળી હતી. ફિલ્મના નિર્માતા જમનાદાસ મજીઠિયા હિમાંશુના રોલમાં જોવા મળી રહ્યા છે.