આમચી મુંબઈ

મધ્ય રેલવેનો એક નિર્ણય અને મુંબઈગરાનો પ્રવાસ બનશે આરામદાયક…

મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દરરોજ લાખો મુંબઈગરા આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે, એમાં પણ સવાર-સાંજ તો લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ચિક્કાર ભીડ જોવા મળે છે. પીક અવર્સમાં પ્રવાસીઓએ ઘણી વખત દરવાજા પર લટકીને પ્રવાસ કરે છે અને આવા સમયે અકસ્માત થવાનું જોખમ પણ વધી જાય છે. પરંતુ હવે પ્રવાસીઓને રાહત આપવા માટે અને ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પહેલી નવેમ્બરથી પ્રવાસીઓને રાહત મળશે.

લોકલ ટ્રેનમાં ભીડ ઘટાડવા માટે રેલવે દ્વારા રેલવેમાં કામ કરતાં કર્મચારીઓના વર્કિંગ અવર્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે આ પદ્ધતિને વ્યાપકરૂપ આપવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. મધ્ય રેલવેએ મુંબઈના સરકારી, અર્ધસરકારી ઓફિસ સહિત 350 સંસ્થાઓ સાથે છેલ્લાં 15 દિવસમાં પત્રવ્યવહાર કરીને ઓફિસના સમયમાં ફેરફાર કરવાની વિનંતી કરવામાં આવી છે.

મધ્ય રેલવે પર દરરોજ 35થી 40 પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભીડના સમયે ત્રણથી ચાર મિનીટની ફ્રિક્વન્સી પર લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે. પરંતુ વધતી જતી ભીડને કારણે લોકલ ટ્રેન પર દબાણ વધે છે. આ જ કારણે મધ્ય રેલવેએ રેલવેના કર્મચારીઓને બે શિફ્ટમાં વિભાજિત કરી દીધા હતા. મધ્ય રેલવેના આ પગલાંનું અનુકરણ કરવામાં આવે એવી વિનંતી મધ્ય રેલવે દ્વારા કરવામાં આવી છે.

પહેલી નવેમ્બરથી હોસ્પિટલ, મહાપાલિકા, પોલીસ દળ, લોકપ્રતિનિધિ, પ્રસારમાધ્યમો, ખાનગી સંસ્થા, બેંકોના કામ કરવાના સમયમાં ફેરફાર કરવાની માગણી કરવામાં આવી છે. આ પત્રવ્યવહારને સકારાત્મક પ્રતિસાદ મળશે તો ભીડનું યોગ્ય રીતે વિભાજન થઈ જશે, એવો વિશ્વાસ મધ્ય રેલવેના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.

મધ્ય રેલવેનો આ પ્રયોગ સફળ રહેશે તો મુંબઈગરાની લોકલટ્રેનની મુસાફરી આરામદાયક થશે. ભીડ ઓછી થવાને કારણે અને લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવામાં આવતા મુંબઈગરાઓ સમયસર ઓફિસ પહોંચી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button