ત્રણ નહીં સાત ક્રિકેટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે રેલવે
ક્રિકેટ ફિવર લોકોને એવો ચડ્યો છે કે આખો દેશ જાણે ગુજરાતના અમદાવાદની વાટ પકડી રહ્યો હોય તેમ જણાય છે. તમામ હોટેલો ફૂલ છે અને ત્રણગણા ભાડા વસૂલી રહી છે ત્યાર ફ્લાઈટ કે ટ્રેનમાં પણ જગ્યા નથી. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે ફાઈનલ મેચ રમાવવાની છે ત્યારે રેલવેએ પણ લોકોની સેવામાં સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. અગાઉ રેલવે ત્રણ ટ્રેન દોડાવવાની વાત વહેતી થઈ હતી, પરંતુ હવે અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર કુલ સાત ટ્રેન દોડવવામાં આવી છે જેમાંથી છ મુંબઈ અને અમદાવાદ વચ્ચે જ્યારે બે દિલ્હી અને અમદાવાદ વચ્ચે દોડશે
રેલવેએ આપેલી જાણકારી અનુસાર એક ટ્રેન બાન્દ્રા અમદાવાદ વચ્ચે, બે ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે, બે ટ્રેન છત્રપતિ શિવાજી ટર્મિનસ અને અમદાવાદ અને બે નવી ટ્રેન દિલ્હીથી સાબરમતી સ્ટેશન વચ્ચે દોડાવવામાં આવશે.
તમને જણાવી દઈએ અમદાવાદ આવતીકાલના ઉત્સવ માટે તૈયાર થી રહ્યું છે. દરમિયાન ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અડાલજની વાવ જોવા ગયા હતા તે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બન્ને ટીમની નેટ પ્રેક્ટિસની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. ઘણા ફેન્સ તો અત્યારથી જ સ્ટેડિયમ બહાર આવી ગયાના અહેવાલો છે. મોડી રાત્રે આવનારા ફેન્સની સંખ્યા પણ વધારે હશે જ્યારે આવતીકાલે વહેલી સવારથી સ્ટેડિયમ બહાર માનવ મહેરામણ ઊભરશે. આ સાથે વડા પ્રધાન સહિત તમામ ક્ષેત્રોની મોટી હસ્તીઓ મેચ જોવા આવશે.