કોરોના વેક્સિન બનાવનારા સાયરસ પૂનાવાલાને આવ્યો હાર્ટએટેક
પુણેઃ દેશની જાણીતી વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચેરમેન અને એમડી ડૉ. સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો હતો. તેમની ‘એન્જિયોપ્લાસ્ટી’ પુણેની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ડૉક્ટરોએ શુક્રવારે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે પૂનાવાલાની હાલતમાં હવે સુધારો થઈ રહ્યો છે.સાયરસ પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોરોના વાઈરલ વેક્સીન ‘કોવિશિલ્ડ’ બનાવે છે.
મળતી માહિતી મુજબ, 82 વર્ષના સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને તાત્કાલિક રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પરવેઝ ગ્રાન્ટ, ડૉ. મેકલે અને ડૉ. અભિજીત ખર્ડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમની તબિયત હવે સારી છે.
નોંધનીય છે કે સાયરસ પૂનાવાલા દેશના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ છે. ‘ફોર્બ્સ ઈન્ડિયા’ના 100 અમીરોની યાદીમાં ડૉ. પૂનાવાલાને 10મું સ્થાન મળ્યું હતું. આશરે રૂ. 83,000 કરોડની સંપત્તિ ધરાવનાર, પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. તે કોરોના સહિત અનેક રોગોની રસી બનાવે છે.