
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચો બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ આ વર્લ્ડ કપ દરમિયાન અહીં બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને સ્પિનરોએ આ પીચ પર સારી બોલિંગ કરીને ઘણી વિકેટો લીધી છે. ફાસ્ટ બોલરોને પણ પીચથી મદદ મળી છે. 19મી નવેમ્બરે યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન પિચનો મિજાજ આ પ્રકારનો જ રહે તેવી શક્યતા છે.
વર્લ્ડ કપ 2023માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. આ ચાર મેચો ડે-નાઈટ હતી. આમાંથી ત્રણ મેચમાં રન ચેઝ કરતી ટીમેં ખૂબ જ આસાન જીત મેળવી હતી. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવી અહીં વધુ ફાયદાકારક રહી છે અને ફાઇનલમાં પણ ટોસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ મેચ અહીં યોજાઈ હતી. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરીને 282 રન બનાવ્યા હતા પરંતુ કિવી ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. અહીંની બીજી મેચમાં ભારતે પ્રથમ દાવમાં પાકિસ્તાનને માત્ર 191 રનમાં ઓલઆઉટ કરીને માત્ર 31 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડને 33 રને હરાવવામાં સફળ રહ્યું હતું. પરંતુ ફરી ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 244 રનમાં ઓલઆઉટ કરીને બીજા દાવમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
જો આપણે અમદાવાદની પીચ પર યોજાયેલી વર્લ્ડ કપ મેચો પર નજર કરીએ તો, પ્રથમ ઇનિંગ્સમાં ફાસ્ટ બોલરોને શરૂઆતની કેટલીક ઓવરોમાં નવા બોલ સાથે સારી મૂવમેન્ટ મળે છે પરંતુ તે પછી વિકેટ ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં સ્પિનરોનું વર્ચસ્વ શરૂ થાય છે. બીજા દાવમાં આ વિકેટ સ્થિર થઈ જાય છે અને બોલ સારી રીતે બેટ પર આવવા લાગે છે. પછી બીજી ઇનિંગ્સ દરમિયાન રાત્રે ડ્યુ પણ રન ચેઝિંગમાં મદદ કરે છે.