Rajasthan election 2023: મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ બાદ હવે રાજસ્થાન પર ભાજપ-કોંગ્રેસનો ફોકસ, મેદાનમાં ઉતરશે દિગ્ગજો
જયપુર: મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મતદાન પૂરું થતાં જ હવે ભાજપ અને કોંગ્રેસનો ફોકસ રાજસ્થાન પર છે. રાજસ્થાનમાં 25મી નવેમ્બરના રોજ મતદાન થશે. તે પહેલાં આજે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નાગૌર અને ભરતપુરમાં રેલી નીકળશે, જ્યારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ રાજસ્થાન પહોંચશે. અને બુંદીમાં રેલીમાં સામેલ થશે. ત્યાં બીજી બાજુ રાજસ્થાનમાં કોંગ્રેસ પણ મોરચા બાંધવા લાગી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અલવરમાં પ્રચાર કરશે. તેઓ અહીં ચૂંટણી બેઠકોમાં ભાગ લેશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે જોધપુરનો પ્રવાસ કરશે. નડ્ડા સવારે સાડા દસ વાગે જોધપુર એરપોર્ટ પહોંચશે. સવારે 11:30 વાગે પીપાડ સિટીમાં બિલાડા તથા ભોપાલગઢ વિધાનસભાની સંયુક્ત જનસભાને સંબોધીત કરશે. ત્યાર બાદ બપોરે 12:40 વાગે ઔસિંયામાં જન સભામાં ભાગ લેશે. બપોરે 2:50 વાગે જેસલમેરના હનુમાન ચાર રસ્તા પર જનસભાને સંબોધીત કરશે. અને સાંજે 5:15 વાગે જોધપુરમાં બૂથસ્તરના કાર્યકર્તાઓની એક હોટલમાં બેઠક લેશે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 25મી નવેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે બધાં જ રાજકીય પક્ષો અને ઉમેદવારો જોરદાર પ્રચાર કરી રહ્યાં છે. જેમાં મરુધરાના મહાસમરમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ મેદાનમાં ઉતરશે. કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, ગજેન્દ્રસિંહ શેખાવત, પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સહિત તમામ મોટા નેતા ચૂંટણી સભાઓ કરશે. વડા પ્રધાન મોદી આજે બે ઉમેજવારો માટે અલગ અલગ જગ્યાએ પ્રચાર કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગે ભરતપુર કોલેજ મેદાનમાં જનસભાનું સંબોધન કરશે અને બપોરે 2 વાગે નાગૌરના સ્ટેડિયમ મેદાન પર સિંહગર્જના કરશે. આ પહેલીવાર છે જ્યારે વડા પ્રધાન નેરેન્દ્ર મોદી ભરતપુર સંભાગની મુલાકાત લેશે.