ગ્રાન્ટ રોડમાં બહુમાળી ઈમારતમાં આગ: રહેવાસીઓને બચાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગ્રાન્ટ રોડમાં આવેલી ૨૩ માળની ધવલગિરી નામની બહુમાળીય ઈમારતના ૧૧માં અને ૧૨ માળે શુક્રવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે ઈમારતમાં અનેક રહેવાસીઓ ઉપર ફસાઈ ગયા હતા, જેને ફાયરબિગ્રેડે ટેરસ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાયું હતું. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ગ્રાન્ટ રોડમાં ઑગસ્ટ ક્રાંતિ રોડ પર ગ્રાઉન્ડ પ્લસ ૨૩ માળની બિલ્ડિંગ આવેલી છે. સવારના લગભગ ૯.૩૫ વાગે બિલ્ડિંગના ૧૨માળે અચાનક આગ ફાટી નીકળી હતી. વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના લોકો ઘરે જ
હતા. અનેક લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા. આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડના
આઠ ફાયર ઍન્જિન, છ જેટી, એક હાઈરાઈસ વૅન સહિતના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઝડપભેર ફેલાયા બાદ અનેક રહેવાસીઓ ઉપરના માળે ફસાઈ ગયા હતા. બપોરના બે વાગે આગને બે નંબરની જાહેર કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ સવારના ૯.૩૦ વાગે ૧૨માળે અને ૧૩મા માળા પર આવેલા ડુપ્લેક્સ ફ્લેટ ૧૨૦૧ અને ૧૩૦૧માં આગ લાગી હતી અને પછી ઝડપભેર ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ફર્નિચર સહિતના સામાનમાં લાગી હતી. આગ ઝડપભેર ફેલાઈ જતા ઉપરના માળે ધુમાડા ફેલાઈ ગયા હતા, તેને કારણે ઉપરના માળે અનેક રહેવાસીઓ ફસાઈ ગયા હતા.
ઈમારતના ૨૧મા અને ૨૨મા માળે ફસાયેલા રહેવાસીઓને ફાયરબિગ્રેડે સુરક્ષિત રીતે ટેરેસ પર લઈ ગયા હતા અને ૧૫મા માળે ફસાયેલા સાતથી આઠ લોકોને ફાયરબ્રિગેડે સુરક્ષિત રીતે ટેરેસ પર લઈ ગયા હતા અને ત્યાંથી બચાવ્યા હતા.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ બિલ્િંડગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી હતી, તેને કારણે આગ બુઝાવવા મદદ મળી હતી. બપોરના લગભગ ૧૨.૨૫ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.