આપણું ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઇપીના જેટ એરક્રાફ્ટ માટે ૧૫ પાર્કિંગ સ્ટેન્ડ

એરપોર્ટ નજીક પણ ઊભી કરાશે પાર્કિંગ સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વિશ્ર્વકપની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રવિવારે રમાવાની છે ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. જેથી મેચ નિહાળવા આવી રહેલા બિઝનેસમેન અને સામાન્ય નાગરિકોને કોઇપણ પ્રકારની અગવડતા ન અનુભવાય. એરપોર્ટ ખાતે ઇવેન્ટ દરમિયાન નાઇટ પાર્કિંગ માટે ૧૫ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નોન શિડ્યૂલ એરક્રાફ્ટમાં ટ્રાવેલિંગ કરતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્ર્વકપની ફાઇનલ મેચ દરમિયાન કોઇ અસુવિધા ઊભી ન થાય એ માટે એરપોર્ટ પર એરક્રાફ્ટ માટે ૧૫ સ્ટેન્ડ નાઇટ પાર્કિંગ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેમાંથી છ સ્ટેન્ડ બિઝનેસ જેટ એરક્રાફ્ટ માટે ફાળવવામાં આવ્યા છે.

એરપોર્ટ દ્વારા વિવિધ એરલાઇન્સને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે મુસાફરોને કોઇ અગવડતા ન પડે એ માટે સમયસર સ્લોટનું સંચાલન કરીને સહયોગ આપે. આ ઉપરાંત જો એરપોર્ટ પર નાઇટ પાર્કિંગની માગમાં વધારો થાય તો એરક્રાફ્ટના નોન-સ્ટાન્ડર્ડ પાર્કિંગ માટે પણ એક ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. આ માટે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા નજીકના એરપોર્ટ સાથે સંકલન કરવામાં આવ્યું છે, જેથી નાઇટ પાર્કિંગની માગમાં વધારો થાય તો એ એરપોર્ટમાં નાઇટ પાર્કિંગની સુવિધા આપવામાં આવે એમ પણ આ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ. વિશ્ર્વકપની ફાઇનલ મેચ દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને મેટ્રો સિટીઝ માટે વધારાની ફ્લાઇટ્સ ચલાવવા માટે કોમર્શિયલ એરલાઇન્સ દ્વારા વિનંતી કરવામાં આવી છે, જેને એસવીપીઆઇ એરપોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button