આપણું ગુજરાત

વડોદરામાં મૃતક પરિણીત પુત્રીને ન્યાય અપાવવા પિતાનો ૩ વર્ષનો રઝળપાટ: છેવટે ગુનો નોંધાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરાના કરજણ તાલુકાના વલણ ગામમાં આજથી ત્રણ વર્ષ પહેલા એક પરિણીતાએ લગ્ન જીવનના છ માસમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પુત્રીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ૧૦૪૬ દિવસ રઝળપાટ કર્યા બાદ આખરે પિતાને ન્યાય મળ્યો છે. કરજણ પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યા બાદ કરજણ પોલીસે પરિણીતાના ફોઇ સાસુ અને જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિનોર તાલુકાના મોટા ફોફડીયા ગામમાં રહેતા અને ગામમાં સીમરખા તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મુસાભાઇ ઉર્ફ મુસ્તાક વલીભાઇ જામોદની નાની પુત્રી શાહીનાના લગ્ન કરજણના વલણ ગામના મોહસીન સિંધી સાથે ૨૧ જૂન ૨૦૨૦ના રોજ થયા હતા. લગ્નના શરૂઆતના દિવસો સુખમય પસાર થઇ રહ્યા હતા, પરંતુ શાહીનાના જેઠાણી રીઝવાના ઉર્ફ રીઝુ ઇરફાન સિંધીને તેની બહેનના લગ્ન મોહસીન સાથે કરાવવા હતા. જે શક્ય ન થતાં તે મોહસીનના લગ્નથી ખુશ ન હતી. તેણે ફોઇ સાસુ અમીનાબહેન મહંમદ સિંધી સાથે મળી શાહીના પર અમાનુષી અત્યાચાર ગુજારવા શરૂ કર્યું હતું.

જેઠાણી અને ફોઇ સાસુના ત્રાસથી કંટાળી શાહીનાએ ૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પતિના જન્મ દિવસે ગળાફાંસો ખાઈ લીધો હતો. જોકે શાહીનાના સાસરિયા દ્વારા શાહીનાના મોત અંગે મોડી રાત્રે જાણ કરાતા તેના પિતા મુસાભાઈ પરિવારજનો સાથે વલણ આવી પહોંચ્યા હતા. જ્યાં સાસરિયા દ્વારા શાહીનાનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જણાવ્યું હતું. મુસાભાઈ ૧૨ જાન્યુઆરી ૨૦૨૧એ જારત માટે કબ્રસ્તાન ગયા હતા ત્યારે ગામની બીજી મૈયતમાં ફૂલ ચઢાવવા આવેલી વ્યક્તિએ તેમને જણાવ્યું હતું કે, તમારી પુત્રીનું હાર્ટ એટેકના કારણે મોત થયું નથી, તેણે તો આત્મહત્યા કરી હતી.
દીકરીના મોતની શંકા જતાં પિતા મુસાભાઈએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. શાહીનાએ આત્મહત્યા કરતા પૂર્વે ચિઠ્ઠી લખી હતી. જેમાં તેણે પોતાના મોત માટે જેઠાણી રીઝવાના ઉર્ફ રીઝુ ભાભી અને ફોઇ સાસુ અમીનાબેનને જવાબદાર ઠેરવ્યા હતા. શાહીનાના પિતા મુસાભાઇ ઉર્ફ મુસ્તાકભાઇએ ત્રણ વર્ષ પછી ફરિયાદ કરવાના કારણ અંગે જણાવ્યું હતું કે, કરજણ પ્રાંત અધિકારીએ મારી રજૂઆતને ધ્યાનમાં લઇ કરજણ પોલીસને ફરિયાદ લેવા માટે હુકમ કરતા તા. ૧૬ નવેમ્બર-૨૦૨૩ના રોજ મારી ફરિયાદ લેવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવાના બહાના બતાવી મારી ફરિયાદ લેવામાં આવતી ન હતી. હવે મને વિશ્ર્વાસ છે કે મને ન્યાય મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button