નેશનલ

ગાઝામાં કાટમાળમાં દટાયેલા હજારો મૃતદેહોને હાથેથી ખોદીને શોધતા પરિવારજનો

દેર અલ-બલાહ: ઇઝરાયલ અને હમાસના યુદ્ધને પાંચ અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છે. ગાઝાની શેરીઓ કબ્રસ્તાન બની ગઇ છે. દરરોજ સેંકડો લોકો પાવડા અને લોખંડના સળિયા અને ખુલ્લા હાથો વડે તેમના બાળકો અને સ્વજનોના મૃતદેહો શોધી રહ્યા છે. આ તમામ ઇઝરાયલના મિસાઇલ હુમલામાં માર્યા ગયા હતા. મૃતદેહોની ગંધ વાતાવરણને વધુ ગંભીર બનાવી રહી છે અને અસહ્ય થઇ રહી છે. ગાઝાના અધિકારીઓનું કહેવું છે કે તેમની પાસે જીવતા લોકોને શોધવા માટે સાધનસામગ્રી, માનવબળ કે બળતણ નથી. ઓમર અલ-દરાવી અને તેના પડોશીઓએ સેન્ટ્રલ ગાઝામાં ચાર માળના મકાનોના ખંડેર શોધવા માટે અઠવાડિયાઓ ગાળી નાખ્યા છે. આ ધરાશાયી ઘરોમાં ૪૫ લોકો રહેતા હતા. જેમાંથી ૩૨ મૃત્યુ પામ્યા હતા. હુમલા બાદના દિવસોમાં ૨૭ મૃતદેહો મળી આવ્યા હતા. હજુ પણ પાંચ લોકો ગુમ છે. જે અલ-દરાવીના પિતરાઇ ભાઇઓ છે. આવા તો અનેક પરિવારો છે જે તેમના પરિવારજનોના મૃતદેહો શોધી રહ્યા છે. પિતરાઇ ભાઇઓને શોધી રહેલા અલ-દરાવીનું માનવું છે કે, જેમને તેમના સ્વજનોના મૃતદેહો મળ્યા છે તે નસીબદાર છે! એક ૨૩ વર્ષીય પત્રકારત્વના વિદ્યાર્થીનું કહેવું છે કે, પરિસ્થિતિ દરરોજ વધુ ખરાબ થઇ રહી છે. દુર્ગંધ અસહ્ય બની ગઇ છે. મૃતદેહો કાયમ માટે કાટમાળમાં ખોવાઇ જાય તે પહેલા અમે તેને શોધીને દફનાવવા માંગીએ છીએ. હમાસ સંચાલિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, હુમલામાં ૧૧,૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાંથી બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકો છે. યુ.એન. માનવતાવાદી બાબતોના કાર્યાલયનો અંદાજ છે કે, ૧,૫૦૦ બાળકો સહિત લગભગ ૨,૭૦૦ લોકો ગુમ છે. જે કાટમાળમાં દટાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button